પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ઘાશીરામ કેાટવાલ.


મુ૦— કોટવાલ સાહેબ, ભટજી કહે છે, તેમાંનો એ જ્વાળામુખી નથી. આ નક્શામાં જ્વાળામુખી ધુમાડા જેવો દેખાય છે. તેમાંથી કદી બળેલી ધાતુ નિકળે છે; રાખ તથા રેતી નિકળ્યા જ કરે છે; ને પાણી, કીચડ, બાફ તથા વાયુ તેમાંથી નીસરતો જ જાય છે. ઘણું કરીને જ્વાળામુખીનો આકાર શિખર જેવો છે, ને તેની ટોચ પાસે નાહાના ગોળ કુંડ છે; તેને મુખ કહે છે. આ પ્રમાણે જ્વાળામુખીઓ સમુદ્રની સપાટીથી કાંઇ ઉંચા, ને મેદાન જમીનમાં કેટલાક પર્વતની ઉપર, ને કેટલાક તેની પાસે હોય છે. તેમાં યુરોપખંડમાં એટના,વિસુવિયસ તથા હેકલા એ જ્વાળામુખીઓ પ્રખ્યાત છે. તે જ્વાળામુખીઓથી ઘણીકવાર નુકસાન થયેલું છે ઈસ્વી સન ૭૦ સુધી વિસુવિયસ પર્વતની ઉપરના જ્વાળામુખીથી થયલા ઉત્પાત વિષે કોઈ ઠેકાણે લખેલું વૃત્તાંત જાણ્યામાં આવ્યું નથી. એ વર્ષ સૂધી જૂના જ્વાળામુખીનાં મેાહોડાં ઉપર નાહાનાં ગોળ કાણાં માત્ર હતાં, ને તે ઠેકાણે ઝાડો ઉગેલાં હતાં, ને તેની આસપાસ ખેતી સારી થતી હતી. એવું છતાં સદર્હુ શાલમાં તે જગે મોહોટું તોફાન થયું, તેથી કરીને ત્રણ મોટાં શહેરનો નાશ થઇ ગયો. સને ૧૬૯૯ ની શાલમાં એટના પર્વત ઉપર જ્વાળામુખી ફાટ્યો, ને તેમાંથી ધાતુ વગેરેનો ગરમ રસ નિકળ્યો, તેનો રેલો દરીઆ સુધી જતામાં ચઉદ શહેર તથા કેટલાંક ગામ બળીને ખાખ થઈ ગયાં. અમેરિકાખંડમાં એંડીઝ નામનો પર્વત છે; તેની ઉંચી ટોચો ઉપર હમેશ જ્વાળામુખી લાગ્યા કરે છે; તે ફાટવાથી મોટો ધરતીકંપ થાય છે. તેમાં એક જ્વાળામુખીની આસપાસ બે કોશ ચોરસ જમીન, ઈસ્વી સન ૧૭૫૯ માં ભાદરવા મહીનામાં પાંચસે ફુટ ઉંચી એકાએક ઉપર ઉંચકાઇ આવી, ને આસરે બે કોશ ચોરસ જગામાંથી જ્વાળા બહાર નિકળવા લાગી. બળેલા પથ્થરોના કડકા રાખમાંથી બહાર ઉડવા લાગ્યા. ને તે જમીન દરીઆની પેઠે ગાજવા લાગી; ને તે બંને બાજુના બળતા કુંડમાં પાણી પડવાથી વધારે અગ્નિ ઉઠતો હતો. આ પ્રમાણે જ્યારે જ્વાળામુખીઓ ફાટે છે, ત્યારે મોટો ગડગડાટ થાય છે, ને તેમાંથી બાફ નિકળે છે; તેથી કરીને મોંડું ખુલ્લું થઇને તેમાંથી મોટો અવાજ તોપોના જેવો થાય છે.

મ૦— ઠીક હવે જ્વાળામુખી શિવાય બીજાં શાનાં ચિત્રો મુનશી સાહેબ લાવ્યા છે, તે જુવો. (એવું કહીને ખેાટો અગ્નિ એવું નામ જે ચિત્રની નીચે લખેલું હતું તે ચિત્ર હાથમાં લઇને આ શું છે ? એમ બોલી તેને પૂછવા લાગ્યા.)