પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ઘાશીરામ કોટવાલ.

તેની આકૃતિ તથા રંગ બદલાય છે. દરીઆમાં વંટોળિયાનો વ્યાસ સોથી તે હજાર ફુટ સુધી હોય ત્યારે દેખાય છે, ને તેનો મધ્ય ભાગ બે અથવા ત્રણ ફુટ કરતાં વધારે પહોળો દેખાતો નથી. આ વંટોળિયો ઘણું કરીને અરધા કલાકથી વધારે વાર ટકતો નથી. તેના ફરવાનો કાંઈ નિયમ નથી. કોઈ વખત જલદી ને કોઈ વખત ધીમે ધીમે ફરે છે. વંટોળિયાનો વેગ ઘણો હોય છે ત્યારે તેનાથી મોટાં ઝાડો ભાંગી પડે છે, તોપો ઉથલી પડે છે ને ઘરો ઉપરનાં છાપરાં ઉડી જાય છે. નાના નાના પદાર્થો દશ કોશ સૂધી ઉડી જાય છે. જો કદી તળાવમાં વંટોળિયો થાય છે, તો તેનું પાણી એક ક્ષણમાં જતું રહે છે.

ઘા૦— અરે મુનશી ! તમે તો એક રત્ન છો. તમારી ખુબીની ધારણા થઈ શકતી નથી. આ બીજા ચિત્રોમાં બાર જણાં છે, તે કેવાં છે તે કહો.

મુ૦— તમારા બાર મહીનામાં બાર સંક્રાંતિ આવે છે, તેનું કારણ એવું છે કે, આકાશમાં બાર રાશિઓ છે, તેમાંની દરેક રાશિનો સૂર્ય એક માસ સુધી રહે છે. બારે રાશિની આકૃતિ આ નક્શામાં બતાવી છે.

ઘા૦— આ નકશામાં કહાડ્યા પ્રમાણે રાશિઓની આકૃતિ છે કે નહીં, તે જોશીબાવા, તમે જોઈને કહો.

જો૦— એ મુસલમાનને એવી વાતોની શું ખબર હોય ? અમે જ્યોતિષ શાસ્ત્રનું અધ્યયન કરેલું છે, તેમાં એવા મોઢા, બકરી, કરચલો તથા મચ્છ કચ્છ કોઈ જગે કહાડેલા જોયા નથી.

મુ૦— મારી પાસે એક દુરબીન છે; તેમાંથી જોશીબાવાની મરજી હોય તો, આજ રાત્રે મેંઢા, બકરા તથા કરચલો એ સઘળું તમોને બતાવું.

ઘા— બારે રાશિનાં નક્ષત્ર સ્થિર છે કે ચળ છે ?

મુ૦— તે નક્ષત્ર ચળ નથી. રાશિચક્ર કરીને જે રેખા છે, તે રેખા ઉપર બારે રાશિઓ છે.

જો૦— કોટવાલ સાહેબ, શાસ્ત્રની બાબતમાં એ બિચારા મુસલમાનને શાની ખબર હોય ? એની બુદ્ધિ આપણે લઈએ તે આપણે જનોઈવાળાને બાધ આવે.

મુ૦— અરે જોશીબાવા, તમે માત્ર નામના જોશી જણાઓ છો. તમારા જ જ્યોતિષ ગ્રંથમાં મારા કહ્યા પ્રમાણે બાર રાશિની આકૃતિ બતાવેલી છે. અગર જો તેમ નથી, તે જન્મોત્રીઓનાં મોટાં ભુંગળાં સો