પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬-ખ


એક પછી એક ચ્હડતી પદવીની નોકરી કરવા સાથે એઓ વિદ્યાના ઉત્તમ વ્યસની હતા. ગુજરાતી સાહિત્યની બાલ્યાવસ્થામાં, તેમજ આડંબર કરનારા સાક્ષરોના જન્મ પૂર્વે, વિદ્યા સંપાદન કરવાની પોતાની રુચીને તૃપ્તિ પમાડવા એમણે મોટે ભાગે મરાઠી, ફારસી, તથા હિંદુસ્તાની ગ્રંથોનું બહુ સારું અવલોકન કરેલું જણાય છે. તેના ફલરૂપ “ઘાસીરામ કોટવાલ” નામનું આ નાનું રમુજી પુસ્તક પ્રથમ ઈ. સ. ૧૮૬૫ માં પ્રગટ થયું હતું, અને તે વખતે એ પુસ્તક લોકોમાં એટલું બધું પ્રિય થઈ પડ્યું હતું કે ઘાસીરામની રમુજી વાત આબાળવૃદ્ધ સ્ત્રીપુરુષ સર્વે હોંશેહોંશે વાંચતાં હતાં. ઘાસીરામ કોટવાલના લોકોમાં પ્રસાર થવાથી અને પ્રિય થવાથી એઓ વિશેષ લખવાને ઉત્તેજીત બન્યા. 'બાગે બાહર અથવા ચાર દરવેશનો કીસ્સો,' અને જાતી અવલોકન તથા અંગ્રેજી પુસ્તકોના આધારે “મુંબઈનો ભેામીઓ,” એ નામનાં પુસ્તક બહાર પાડ્યાં. ગુજરાતમાં જ્યારે મુંબઈ એક દેવતાઈ નગરી તરીકે પ્રસિદ્ધ હતું ત્યારે એ ભેામીઓ બાહરગામથી આવનારાઓને ભેામીઆરૂ૫ થઈ પડતો. એમનો ચેાથો પ્રસિદ્ધ કરેલો ગ્રંથ "સિંહાસન બત્રીસી” ની વાર્તાનો છે. એ ચારે ગ્રંથો એમના સમયમાં જ લોકમાં સારા સત્કારને પામ્યા હતા. એક બીજા કાયસ્થ વિદ્વાન ગૃહસ્થ મી. વકીલના તંત્રીપણા નિચે “મેલાવડો” નામનું એક માસિક પત્ર પ્રગટ થતું હતું, જેના સાકરરામ મુખ્ય લેખક હતા. નવીન ગુજરાતી ગદ્યલેખનના ઉદયકાળમાં જે ઉત્સાહી પુરુષોએ પોતાનો ફાળો આપ્યો છે, તેમાં સ્વર્ગવાસી એક હતા, એમ કહેવામાં જરાએ હરકત નથી. એમની ભાષાશૈલી બહારની ટાપટીપ વગરની, તાલમેલીઆ ઠાઠ માઠ વગરની, સ્વચ્છ અને સાહજિક છે.

એમનું મરણ ઈ. સ. ૧૮૯૧ ના મહાવદ ૧૪ ને દિને ૬૫ વરસે થયું હતું.

એમની કુટુંબકથામાં ડા. ધીરજરામે મહારાજ લાયબલ કેસમાં યાદગાર સાક્ષી આપી છે; અને સુધારામાં બહુ આગળ પડતો ભાગ લીધો હતો. સાહિત્યસેવામાં તેમના બનાવેલા (૧) ગુજરાતી કેમીસ્ટ્રી અને એનેટોમી, (૨) સંસ્કૃત વ્યાકરણ, (૩) સર્વોપયોગી સૂચના, અને છેલ્લું (૪) સ્ત્રી ઉપયોગી સૂચનાના બે ભાગ છે. ઉપરાંત જાહેર છાપામાં ઘણા લેખો આપ્યા છે, તેમજ જાહેર સભામાં ભાષણો પણ આપ્યાં છે. સ્ત્રી ઉપયોગી સૂચના અને સર્વોપયોગી સૂચના એ પુસ્તકો આજે મલતાં નથી, તોપણ બહુ ઉપયોગી છે. એમના સૌથી નાનાભાઈનું નામ ગીરધરલાલ હતું. જેમના પુત્ર રા. ઉમેદરામ હાલમાં એલફીન્સ્ટન હાઈસ્કુલમાં શિક્ષક છે.