પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ઘાશીરામ કોટવાલ.

આપીએ, ને જે જગે તેલ લગાડવાનું હોય ત્યાં પ્રમાણસર બરાબર વખતે લગાવીએ તો તે યંત્ર ઘણાં વર્ષ સુધી બગડે નહીં; ને તે જ પ્રમાણે માણસના શરીરની તજવીજ રાખી હોય ને ખાવા પીવાનો નિયમ બરાબર રાખ્યો હોય તો તે આરોગ્ય રહે, એવું જૂનાં વૈદકશાસ્ત્ર લખનારાઓ કહી ગયા છે ને તે પ્રમાણના દાખલા શુદ્ધ કરી બતાવેલા છે. તેથી જો તમારા ભૂત તથા પ્રેતને દેહ છે, ત્યારે તે દેહથી તમારા અમારા મ્હોમાં, નાકમાં અથવા કાનમાં પેશી જાય છે એ વાત માનવા જોગ નથી; પણ કેટલાક રોગ છે, તે વાયુરૂપે શરીરમાં પ્રવેશ કરે છે, અથવા બીજા અનેક કારણથી શરીરમાં ઉત્પન્ન થાય છે; તે થકી માણસ ભ્રાંતિમાં પડી બેશુદ્ધ થાય છે, ને તે બેશુદ્ધપણામાં ગમે તેમ લવે છે ને કામ કરે છે. એ વાતના દાખલાની ઉંઘમાં ઉઠીને ચાલનાર તથા કામ કરનાર માણસેાનાં કાન ઉપરથી ઘણી સાબીતી થાય છે.

ઘા૦— ડાકણ, ચૂડેલ ને સ્મશાનમાંનાં પિશાચની વાતો હમેશ સાંભળવામાં આવે છે તે શું છે ?

મુ૦— પિશાચ તથા ચૂડેલની વાત આ દેશમાં જેવી પ્રસિદ્ધ છે, તેવી આર્બસ્થાન તથા યુરોપખંડના અનેક દેશમાં પ્રસિદ્ધ હતી અને હાલ સુધી પણ અનેક દેશમાં મશહુર છે. કબરસ્થાનમાંથી રાત્રે પ્રેત ઉઠીને ન્હાનાં છોકરાં તથા ખુબસુરત ઓરતોનું લોહી ચૂસી લે છે, એવી સમજ હાલ સુધી છે, ને તે પ્રેતને “વીંપાયર ” એટલે ચુડેલ કહે છે. જે માણસ આપઘાતથી મરે છે તે ભૂત થાય છે; ને આ કારણથી હાલ સુધી ફિરંગીના રાજમાં એવી ચાલ છે કે, કોઈએ હુંશિયારીમાં રહીને આત્મહત્યા કરી તે તેની લાસ દાટતી વખત તે લાસના બદનમાં એક મેખ આરપાર ઠોકી ઘાલે છે, કે તે મેખથી પ્રેત ઉડી શકે નહિ ને લોકોનાં લોહી ચૂસવા તેનાથી જઈ શકાય નહિ. સને ૧૦૦૦ માં ઐસ્લાંડ બેટમાં એવું બન્યું કે, એક ઘરમાં તીસ ચાકર હતા, તેમાંના અઢાર મરી ગયા. તેઓને ભૂતે માર્યા, એમ બીજાઓને લાગવાથી ત્યાં મ્હોટી દેહશત પેદા થઈ. તે વખત ત્યાંના ન્યાયાધીશે સભા કરી, કાયદા પ્રમાણે ચોકસી કરીને આ દુષ્ટ ભૂતને દેશપાર કરવાની સજા ઠરાવી !

ઘા૦— તમે સને ૧૦૦૦ ની વાત કહી, તેને હાલ કેટલાં વર્ષ થયાં ?

મુ૦— તે વાતને હાલ ૭૦૦ વર્ષ થયાં છે; પણ એટલે દૂર શા વાસ્તે જવું પડે? સને ૧૭૩૨ માં આસ્ત્રિયા દેશમાં એવો ચમત્કાર થયો કે, એક ઘાસવાળો ઘાસની ગંજી નીચે દબાઈ મરણ પામ્યો. તે