પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ઘાશીરામ કોટવાલ.

રખાવે છે. તે કારણથી એક માણસનું ડોકું ને બીજા માણસનું ધડ ફકત તમાશગીરની નજરે પડે છે, અને બકરાનું અથવા હરકોઈ જાનવરનું લોહી એક વાસણમાં ભરી લાવી, તે ડોકાની તથા ધડની પાસે છાંટે છે ને વાસણમાંનું લોહી લોકને દેખાડે છે. તે ઉપરથી ધડ ઉપરથી માથું કાપીને મૂકેલું છે, એમ લોક સમજે છે. કાલાટી લોક પથ્થરના ગોળા ઉંચે ઉછાલી ઝીલી લે છે, એ પ્રકાર જોર તથા કસરત ઉપર આધાર રાખે છે, એમાં કાંઇ તાજુબ જેવું નથી. એ કરતાં વધારે ચમત્કારિક વાત એવી છે કે, ઈટલી દેશમાં એક માણસ હતો, તે સંગેમરમરના પથ્થરનો એક થાંભલો ત્રણ ફુટ લાંબો અને એક ફુટ પહોળો હાથમાં લઇને ઉંચે ઉછાલી બંને હાથે ઝીલી લેતો, ને ફરી દડીની પેઠે વાંકોચુંકો ઉછાળી તે સાથે રમતો હતો. બીજો એક માણસ એક વખત એક ઘરમાં ચોવીસ પગથિયાં ચહડીને માલ ઉપર ગયો હતો. ત્યાં ટાઢ ઘણી હતી ને પોતાના શેઠને ટાઢ લાગવાના કારણથી તે સગડીમાં સારી પેઠે દેવતા ન્હોતો, એ સબબથી તેણે નીચે જઇને ત્યાં ગધેડાઓ લાકડાના ભારાથી લાદેલા હતા, તેમાંથી એક મ્હોટા ગધેડાને લાદેલા લાકડાં સુદ્ધાં પેાતાની ખાંધ ઉપર ઉંચકી માલ ઉપર લઇ ગયો. એવા પ્હેલવાન તથા કસરતી લોકોની વાતો ઘણી છે.

કો૦— મુનશી તમે બૃહસ્પતિ સરખા છો. હવે એક સવાલ કરું છું તેનો જવાબ દઇ પછી બંધ કરો.

મુ૦— ઠીક છે પૂછો, માહિતી પ્રમાણે જવાબ દઇશ.

કો૦— માણસની ઉમર જાસ્તી છે કે ઝાડની!

મુ૦— દોઢસો વર્ષની ઉમરના માણસો થએલાંના ઘણા દાખલાઓ છે; ને સને ૧૭૮૦ માં એક ટેઝો નામનો માણસ ૧૭૫ વર્ષને થઇ મરણ પામ્યો હતો; પણ ઝાડને સારું સો બસો વર્ષ તો કાંઇ નથી. પાંચથી તે છ હજાર વર્ષ સૂધીનાં ઝાડો કોઇ કોઇ જગે માલુમ પડ્યાં છે.

--¤¤¤¤¤¤¤¤--
સમાપ્ત.