પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.ઘાશીરામ કોટવાલ.
--¤¤¤¤¤¤¤¤--
વાત ૧.

ઘાશીરામની સાસુ તથા તેનો સસરો હિંદુસ્થાનથી પોતાના જમાઇને મળવા સારુ એક વખત આવ્યાં હતાં. સસરો દેખીતો ભારે ભયંકાર ને શરીરે અગડબંબ હતો. તેઓ જમાઇને ઘેર આવી ઉતર્યાં, તે વખત જમાઇ તથા છેાકરી બંને આવી મળ્યાં, ને ઘાશીરામ સસરાને હાથ ઝાલીને માળે લઈ ગયો, ને બારી આગળ ગાદી તકિયા નાખ્યા હતા તે ઉપર બેસાડી તેના હાથ પગ ધોવા સારુ પાણી લાવવાને ચાકરને હુકમ કર્યો. ત્યાર પછી પાંડુ નામનો છોકરો કોકણસ્થ બ્રાહ્મણ નોકર હતો, તે બે રૂપાના કળશીઆ પાણીથી ભરીને તથા ખુશબોદાર ઉબટડું લઇને માળ ઉપર આવ્યો. તેને સસરાજીનું શરીર જોઇને હસવું આવ્યું તેથી મશ્કરીમાં હળવે હળવે બોલ્યો કે, “બાપરે ! આ તો એક મોટો રાક્ષસ છે ! એને અહીં જ કંઇ નવું જુનું થયું તો નીચે કેમ લઇ જવાશે !” આ વાત બીજા ખીદમતગારો મારફત ઘાશીરામને કાને પડવાથી તે ઘણો જ ગુસ્સે થયો, ને એક જમાદારને બોલાવી હુકમ કર્યો કે આ નાલાયક છોકરાને મુશ્કે બાંધી બુધવારની ચાવડી પર લઇ જઇ સો ફટકા એની પીઠ પર મારી તે ઉપર નીમકનું પાણી છાંટી સરકારની હદ પાર કરી ફિરંગીની હદમાં મુકી આવો. કોટવાલનો હુકમ થતાંજ સીપાઇયો પાંડુ ને વળગી પડ્યા ને ઉંધો નાખી મુશ્કે બાંધવા લાગ્યા. તે વખતે પાંડુએ પોતાના મ્હોં ઉપર તમાચા મારીને કહ્યું કે, મહારાજ માફ કરો ! ફરી એવું કદી બોલીશ નહીં; મેં જખ મારી, મને છોડાવો, દાદા સાહેબ છોડાવો, બાઇ સાહેબ ! દોડો દોડો, મારો જીવ જાય છે. મારી માને એકવાર મેળવો, પછી મારો જીવ લો. એ પ્રમાણે મોટી બુમો પાડી સઘળું ઘર ગજાવી મુક્યું. ઘાશીરામનો સસરો મરાઠીમાં સમજતો ન હતો તેથી હિંદુસ્થાનીમાં પૂછવા લાગ્યો.

સસરો– ઈસ લડકેને ક્યા કિયા હે ?

ઘાશીરામ– એ બાતકી, સસરાજી આપ પુરછા કીજિયે નહીં.

સ૦- નહીંજી, જરા કહો તો સહી.૧