પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.


રણસિંધાં ઘણાં છે, અને स्त्रीयश्चरित्रं पुरुषस्य भाग्यं । देवो न जानाति कुतो मनुष्य:॥ એ કહેવત આપના જાણ્યાંમાં જ છે. સસરાજીને કાંઇ સારું નરસું થયું તો પાછળ સાસુજી કાંઈ પતિવ્રતા ધર્મને બટ્ટો ન લાગે માટે તેને સતી થવું જ જોઇએ. વાસ્તે સસરાજીના શરીરને તથા ઘરને તોડફાડ કરવી; એ કરતાં બારણે વાજાં વગડાવી બ્રાહ્મણોને બેાલાવી વેદ ભણવાનું જારી કરાવી, હવેલીને આગ મુકી બાળી દેવી, એટલે સઘળી ક્રિયા યથાસ્થિત થશે, ને સાસુજીના પતિવ્રતાપણાની વાત ચારે દિશાએ ફેલાશે.” આ કાગળમાં લખેલી હકીકત જોતાં જ કોટવાલને ઘણો ગુસ્સો આવ્યો, ને પોતાના હાથ આગળ પીતળનું કલમદાન હતું તે બુઢ્ઢા ઉપર ફેંક્યું, તે તેના પગના નળામાં લાગવાથી લોહી નિકળવા લાગ્યું ને કળ ચડવાથી જમીન પર પડી તરફડવા લાગ્યો ને ઘાશીરામનાં રુવે રુવાં ખડાં થઈ જવાથી મોટેથી બુમ પાડી હુકમ કર્યો કે, આ કોંકણના માણસો એકથી એક વધારે ડાહ્યાં છે; એએાને જીવતાં રાખવાં ઠીક નથી, અરે જમાદાર! આ ચારેને હાથીના ચારે પગ સાથે મારી રુબરુ બાંધી હાથીને દોડાવો, ને ચાર પોહોર સુધી શેહેરમાં ફેરવો. પછી ચારેને ભાંભુડી પોંહોચાડી દો.

કોટવાલનો હુકમ થતાં જ નોકરો હાથી લાવવા દોડ્યા. એટલામાં એ તમામ હકીકત શનિવારના વાડામાં પેશવા સાહેબના જાણવામાં આવી. તેઓએ બ્રહ્મહત્યા થશે એવું સમજી જનકોજી હજુરીઆને મોકલી પાંડુ, કાશીબાઇ, રામભટ તથા મહાદેવભટને છોડાવી મંગાવ્યાં: અને તેજ વખત કોટવાલપર હુકમ લખી મોકલ્યો કે, બ્રાહ્મણોને હજુરનો હુકમ લીધા શિવાય પરબારી સજા કરવી નહીં.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨.

એક દિવસ ઘાશીરામ કચેરીમાં ઇન્સાફ કરવા બેઠા હતા, ત્યાંહાં એક સંતી નામની એારતે રડીને એવી ફરિયાદ કરી કે મારી પડોસણ જાનબી માહરું છોકરું જબરદસ્તિથી છીનવી લઈને વાનવડીએ પોતાને મોસાળ જતી રહી છે. તે ઉપરથી કોટવાલે સવાર મોકલી જાનબીને છોકરાં સુધાં પકડી મંગાવી, તેને હકીકત પુછી. તેણે બતાવ્યું કે એ છોકરું મારું છે, ને સંતી નાહક ગળે પડે છે. કોટવાલે બંને પાસે પોત પોતાનો પુરાવો રજુ કરવાનું કહ્યું ને તેઓના બતાવ્યા પ્રમાણે દાઈ તથા બીજા સાહેદી બોલાવ્યા, ને તેઓની સાહેદી લીધી; તેથી એવું માલુમ પડ્યું કે સંતી તથા જાનબી બંને એક બીજાના પડોસમાં શુકરવાર પેઠમાં રેહે છે.