પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.

પડી ધાવવા મંડ્યું; પછી તેની પાસેથી લઈ જાનબીને આપ્યું; તેને પણ તે છોકરું ધાવ્યું. પછી કાજીએ છોકરું પેાતાની પાસે લઈ સંતી તથા જાનબીને કચેરીની બાહાર મોકલ્યાં, ને એક કસાઈને મોટો છુરો લઈને બોલાવ્યો. બાદ જાનબીને અંદર બોલાવી કાજીએ કહ્યું કે સાંભળ:– ગુજરેલા પુરાવા ઉપરથી એ છોકરું તમે બંનેનું ઠરે છે. વાસ્તે એ છોકરાંના બરાબર બે હિસ્સા થવા જાઈએ. તે સારુ આ કસાઈ ઉભો છે. તેની પાસે એ છોકરાંના બે કડકા બરાબર કરાવું છઉં; ને તારો એક સાહેદી જાસ્તી છે; માટે તને જમણી બાજુના કડકો મળશે. પછી કેમ તારે કાંઈ તકરાર રહી છે? જાનબીએ જવાબ દીધો કે ઘણું સારું; મારી તકરાર કંઈ રહી નથી. પછી સંતીને બોલાવી કાજીએ તે જ પ્રમાણે હકીકત કહી ને તને ડાબો ભાગ મળશે, એવું બોલતાં જ, સંતી હાય! મારીને બોલી કે, મારે એકે ભાગ નહીંં જોઇએ. છોકરાંના કડકા ન કરતાં તેને જીવતું સરકારે જાનબીને હવાલે કરવું, મારે કાંઈ તકરાર નથી. જોઈએ તો હું ફારગતિ લખી આપું.

કો૦- કાજી સાહેબ, હું કેહતો નોહતો કે એ સંતી જુઠ્ઠી છે? જુવો, હમણા પોતે તેની મા થઈને ફારગતિ આપવા કબુલ થઈ છે!

કોટવાલનું બોલવું સાંભળી સઘળા લોક હસવા લાગ્યા. પછી કાજીએ તકરારી છોકરું નિ:સંશયપણે સંતીનું કેવી રીતે ઠરે છે તે કોટવાલને સમઝાવી દીધું. ત્યારે કોટવાલ સાહેબે એ વાત સમજમાં લાવી તે છોકરું સંતીને હવાલે કર્યું.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૩.

એક દિવસે નાના ફડનવીશે ઘાશીરામને સંગમ*[૧] ઉપર અંગરેજ સરકારના રેસિડેંટ સાહેબ પાસે કાંઈ કામ સારુ મોકલ્યો હતો. ત્યાંહાં કામની બાબત પુરી થયા પછી રેસિડેંટ તથા કોટવાલની વચે વાતચિત થઇ તે નીચે મુજબ:––

કો૦— દરીઓ કહેવાય છે તે આપના જોવામાં આવ્યો છે?

રે૦— હા, જોયો છે. અમારો દેશ દરીઆમાં છે. અમે ત્યાંથી વહાણમાં બેશીને આ દેશમાં આવીએ છૈએ.

કો૦— એમ કેમ? આપનો દેશ અહીંથી કેટલો દૂર છે? અને ત્યાંથી અહીં આવતાં કેટલા દિવસ લાગે છે ?


  1. * મુળા મુઠા નામની બે નદી એકઠી થઈ છે તેને સંગમ કહે છે.