પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.


વિદ્વાનોને મોહડે અમે એ વાતો ઘણે ફેરે સાંભળી છે, ને તે સઘળા લોકોના જાણ્યામાં છે.

રે૦—ત્યારે તેઓને ફિરંગીની ઉત્પત્તિ વિષે બરાબર ખબર નથી. (આટલી વાત થઈ એટલે રેસિડેંટ સાહેબને ખાવાની વખત થઇ. તેના નોકરો ખાવાનો સામાન લાવવા લાગ્યા. તેમાંનો એક નોકર ચાંદિના એક નાહના વાસણમાં સ્ફટિક મણિ સરખું સફેદ રંગનું મીઠું ઘાલીને લાવતો હતો. તે કોટવાલના જોવામાં આવ્યા પછી બોલવું થયું તે.)

કો૦—આ નિમખ આવું સફેદ ચક્ચકિત ક્યાંથી આવ્યું. આપના દેશમાં નિમખ નીપજે છે શું?

રે૦—એ નીમખ કોંકણનું છે. અમારા દેશમાં નીમખના અગર મેાટા મોહટા છે. તેમાં દરીઆનું પાણી લઈ તે નીમખ પકાવે છે.

કો૦—ત્યારે મુળા મુઠા નદીને કિનારે વિલાતી મીઠાનું બી રોપીએ તો નદીના પાણીથી મીઠું પાકશે? શ્રીમંતને એ વાતની સૂચના કરું શું ?

રે૦—નીમખનું બી હોતું નથી. દરીઆને કિનારે જમીન ખેાદી સરખી કરી તેમાં પાળ બાંધીને મીઠઅગર કરે છે. તેમાં ક્યારાઓ કરી દરીઆનું પાણી લે છે, ને તે પાણીને સુકાવા દે છે એટલે મીઠું થાય છે. મીઠું પકાવાને ખારું પાણી જોઇએ.

કો૦—દરીઆનું પાણી શું ખારું છે? અમારે ત્યાં નાળિયેરી બાગ તથા સોપારી બાગ છે તેજ પ્રમાણે મીઠઅગર છે? મીઠાનાં ઝાડ કેટલાં મોટાં છે?

રે૦—બાગની પેઠે મીઠઅગર હોતો નથી ને મીઠાનાં ઝાડ પણ થતાં નથી. ફક્ત ક્યારામાંનું ખારું પાણી તાપ તથા હવાથી સુકાઇને ઠરીને તેના ચુનાના જેવા નાહાના ગાંગડા થાય છે.

કો૦—એમ કેમ? અમારા શેહેરમાં નળોને રસ્તે ઘણે દૂરથી પાણી આણ્યું છે; તે પ્રમાણે નળ બાંધી દરીઆનું પાણી લાવીએ તો ગણેશખંડી તથા દાપુડીના મેદાનમાં મીઠાનાં ખેતરો સેહેજ બની શકે.

આ વાત સાંભળી રેસિડેંટ સાહેબને હસવું આવ્યું, અને ચેાબદારને બોલાવી અત્તર ગુલાબ તથા બીડાં આપી ઘાશીરામને રુખશત કર્યો.

——: ૦ :——