પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કેાટવાલ.


વાત ૪.

એક દિવસ ઘાશીરામ રાત્રે વાળુ કર્યા પછી પોતાના ઘરમાં કેટલીક વાર સુધી બેસી પાન તમાકુ ખાતા હતા. તે વખતે ખુશામતીઆ લોકો તેની પાસે બેસી જમીને તેના ઈન્સાફ તથા કામકાજની તારીફ કરતા હતા તે વખતે ત્યાં એક વીજાપુરનો ગૃહસ્થ આવ્યો. તેણે પોતાના શેહેરના ન્યાયાધીશની હુશિયારીની વાત કહી કે, ગઇ આખાડીની જાતરામાં અમારા શેહેરનો રામદીન નામનો એક ગાંધી, પાંચ પચાસ મણ ખુશબોદાર ભુકો તેઆર કરાવી, પચાસ ગુણો ભરી, પંઢરપુર વેચવા સારુ બીજે દહાડે બળદ ઉપર લદાવી મેાકલનાર હતો. તે ગુણો પેાતાની દુકાન પછવાડેના ચોકમાં નખાવી હતી. તે રાતે કોઈ હરામખેારો ચોરી લઈ ગયા. રામદીન સવારમાં ઉઠી ચોકમાં જુવે તો ગુણ માલુમ પડી નહીં. પરંતુ તેમાંનો ભુકો જ્યાં ત્યાં વેરાયલો ને દેવાલ ઉપરથી ગુણો ચડાવી લઇ ગયાની નિશાની માલુમ પડી. પછી ચોરી થઈ રે ! ચેારી થઈ ! એવી બુમો મોટેથી પાડી, તેથી પાસેના લોકો દોડી આવ્યા. તેને ચોરીની હકીકત કહીને પછી શેહેરના કોટવાલ સમશેરખાનને ખબર આપી. તેણે જલદીથી સવારો મેાકલી નાકાબંધી કરાવી, અને સઘળા શેહેરમાં શેાધ કર્યો; પણ કાંઈ ઠેકાણું લાગ્યું નહીં. ત્યારે ખુશબો વેચનારા તમામ દુકાનદારો તથા તેના ગુમાસ્તાઓને એકઠા કરી તજવીજ જારી કરી. તે બે પેાહોર સુધી ચાલી પણ કાંઈ પત્તો લાગ્યો નહીં. બાદ સઘળાઓને ઉભા કરીને સમશેરખાન ત્રણ વાર તેઓની આસપાસ ફર્યો; પછી સામે ઉભો રહી મોટેથી હસીને બોલ્યો કે, આ કેવા નિર્લજ લોક છે! ખુશબેાઈને ભુકા ચોર્યો તે ચોર્યો; પણ તેમાંનો ભુકો કપાળે લગાડીને અત્રે આવ્યા છે ! આવા શબ્દો સાંભળતાં જ એકઠા થયલા લોકોમાંથી ચાર જણે જલદીથી પોતપેાતાનાં કપાળ ઉપર હાથ લગાવી તે હાથ સુંધવા લાગ્યા. આટલું કરવા ઉપરથી તે ચારે જણાને એક બાજુપર જુદા લઈ જઈ તપાસ કરતાં તેમાંના બે જણ બરાબરીઆ દોસ્તદાર હતા, ને બાકીના બે તેઓના ગુમાસ્તા હતા એવું માલુમ પડ્યું. પછી ઉપરના બંને દોસ્તદારોનાં ઘર, દુકાન તથા ભોંયરાંને મશાલ કરી ઝાડે લીધા. ચેારીમાં ગયેલી પચાસ ગુણો ખુણે ખાંચરે છુપાવી હતી તે હાથ લાગી; બાદ તે ચારે જણને સજા કરી. તે દાહાડાથી એ સમશેરખાન કોટવાલની બુદ્ધિ અને ચતુરાઇ સઘળા લોકોમાં પ્રસિદ્ધ થઇ છે.