પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
ઘાશીરામ કોટવાલ.

પાસેથી ભાનુપ્રસાદ વાસ્તે જડી બુટી લીધી ને તેને કપાળે ઘસીને ચોપડાવી, અને છોકરીને પાઇ. માંત્રિક તથા દેવઋષિ પાસે, પિશાચ પીડા કાંઈ છે કે નહીં તેની શોધ કરાવી, ત્યારે ભાનુપ્રસાદની ગુજરી ગયેલી માનું નડતર છે એવું માલુમ પડ્યું. તે ઉપરથી ભાનુપ્રસાદને નાશીક મોકલી તેની માની નારાયણબળી તથા ત્રિપિંડી સરાવી. આ પ્રમાણે સેંકડો રૂપીઆ ખર્ચ કરી લોકોએ જે કહ્યા ને પોતાને સુઝ્યા તેટલા પ્રકાર માબાપે કરાવ્યા. એટલે ચાર પાંચ વર્ષ વીતી ગયાં; પણ લલિતાગૌરીને છોકરું જ થયું નહીં, ને તેની ઉમર એકવીસ વર્ષની થઈ તેવામાં કૃષ્ણશાસ્ત્રી વાઇકર કોટવાલને ઘેર આવતા હતા, તેણે ઘાશીરામને કહ્યું કે, હવે આ સઘળો ઢોંગ ધતુરો કાહડી નાખો, અને સત્સમાગમ કરવાને છોકરીને સાધુઓની સેવામાં રાખો, એટલે હરિ કૃપા કરશે. આ વાત ઘાશીરામના મનમાં આવવાથી છોકરીને પોતાની સ્ત્રી સાથે બેલબાગ તથા તુળસીબાગ નિત્ય દર્શન કરવા તથા કથા, કીર્તન ને પુરાણ સાંભળવા સાંજરે મોકલવા માંડી. ત્યાં ઘણે ઠેકાણે પુરાણ વંચાતાં હતાં. તુળસીબાગની ધર્મશાળામાં એક વેદશાસ્ત્ર સંપન્ન વિષ્ણુભટ વૈશંપાયન નામના પુરાણી ગોરો ગબલા જેવા ૩૦-૩૫ વર્ષની ઉંમરનો અને દેવીભક્ત હતો. તે મહાકાળિની સ્ફટિકમણિની મૂર્તિની મોટા ઠાઠથી પૂજા કરતો હતો. તેને ત્યાં ઘણી ઓરતો દર્શન કરવા આવતી જતી હતી. પુરાણી મોટી રેશમી કોરનો અષ્ટીનો ધોતી જોડો પહેરી કપાળે કેસરી તીલક કરી, ગળામાં અર્ગજાની માળા ઘાલી લીલો શાલજોડો એાઢી પુરાણ વાંચવા બેસતો હતો. તેનો સ્વર સુંદર હતો. ઘાશીરામની બાયડી તથા છોકરી ત્યાં જવા લાગ્યાં. તેઓને બીજી ઓરતોએ કહ્યું કે, વિષ્ણુભટને દેવી પ્રસન્ન છે, તેથી દેવીના પ્રસાદથી કેટલીક વાંઝણીઓને છોકરાં થયાં છે. આ વાત સાંભળીને છોકરીની માને મોટી આશા પેદા થઇ, ને તેણે ઘાશીરામને વિષ્ણુભટની વાત કહી. ત્યારથી તેનો ભાવ પુરાણી બાવાપર બેઠો, ને તેની પાસે ઘાશીરામે આવજાવ કરવા અને દરરોજ મેવા મીઠાઇ ને શીધું સામાન મોકલવા માંડ્યું. પુરાણી બાવા પુરાણ વાંચી રહ્યા પછી સંધ્યાકાળે નાહીને સંધ્યા કરીને દેવીની પૂજાનો આરંભ કરી, આરતી કરી રહ્યા પછી દેવી ઉપાસક મંડળીને પોતાને હાથે પ્રસાદ વહેંચતો હતો, એટલે બંધીની તોપનો વખત થતો હતો, ને સેવકો પોતપોતાને ઘેર જતા હતા. કોઈ કાકડ આરતીનાં દર્શન કરવા સારુ પુરાણી બાવાને ત્યાંહાંજ સુઇ રહેતાં હતાં. ઘાશીરામની ઓરત તથા છોકરી ત્યાં રાતના આરતીને સમે આવવા લાગ્યાં. કોઈ કોઈ વખતે છોકરીને કાકડ આરતી સારુ પુરાણી બાવાને ઘેર