પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
ઘાશીરામ કોટવાલ.

ઔરંગાબાદથી મંગાવેલું છે. એ ઝાડ લાવતાં તથા તેને નહાનેથી મોટું કરતાં તથા એના મૂળમાં કેસરનું ખાતર પૂરતાં આજ સુધી બે હજાર રૂપીઆ ખર્ચ થઈ ચૂક્યા છે. એ ઝાડ ઉપર ચૈત્ર વૈશાખ માસમાં ફાલ આવે છે ત્યારે ફક્ત પાંચ દસ સારાં ફુલ ઉતરે છે. તેની ખુશબો અહીંથી તે વિશ્રામબાગ સૂધી જાય છે. તેથી શોખી લોકો એક એક ફુલના દશ દશ રૂપીઆ માળીને આપી લઈ જાય છે.

ઉપર મુજબની તારીફ સાંભળી જોન્સે નીચે મુજબ વાત કહી. તે બેાલ્યો:–

યુરોપ ખંડમાં હાલંડ તથા ફ્રાન્સ નામના બે દેશ છે. ત્યાંના લોકો ફુલ સારુ એટલા તો દિવાના થયા હતા કે, એક જણે હર્લેમ નામના શહેરમાં એક ફૂલનું ઝાડ ઈસવી સન ૧૬૨૬માં વાવ્યું હતું ને તેનું નામ સુખદર્શન હતું. તેનું એક ફુલ એક ગૃહસ્થે ૧૩૮૦૦ તેર હજાર આઠસો રૂપીઆ ને બે ઘોડાની સામાન સુદ્ધાં એક નવી ગાડી આપીને વેચાતું લીધું. બીજા એક ગૃહસ્થે તેમાંનું જ ફુલ ૩૯૦૦૦ એાગણચાલીસ હજાર રુપીઆ આપીને લીધું. બીજું એક જાતનું ફુલ, કે જેને ગુલલાલા કહે છે, તે એક સખસે પાંચ એકર સમચોરસ જમીન આપીને ખરીદ કર્યું. એક ગૃહસ્થને વર્ષ દહાડે ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજાર રૂપીઆની આમદાની હતી. તેણે ફુલ વેચાતું લેવા સારુ પોતાની સઘળી માલમિલકત આપી ચાર મહીના સુધી ભીખ માગી. હાલંડ દેશમાં ફુલનું ગાંડાપણું એટલું તે વધી ગયું હતું કે, ફક્ત એક વર્ષમાં ફુલના ઉદ્યમથી ત્રણ ક્રોડ રૂપીઆ ઉત્પન્ન થયા હતા.

સદરહુ ચમત્કારિક વાત ઘાશીરામ સાંભળી ઘણો તાજુબ થયો ને નાહાના સાહેબને કહેવા સારુ તેણે એક કારકુન પાસે ટીપણ કરાવી લીધું. બાદ બંને સાહેબોને બંગલામાં લાવી હોજ આગળ ખુરશી ઉપર બેસાડ્યા અને ફુલના હાર, ગજરા તથા ખાનું લાવવાનું ફરમાવ્યું. ત્યાર પછી બાગના મુખ્ય માળી સંતાજી કરી હતો, તેના દેખાવડા અને ઉંમરમાં સરખા બે છોકરા હતા. તેણે ફુલના તોરા લાવીને મેજ ઉપર મૂકવા માંડ્યા, તે ઉપરથી બેાલવું શરું થયું.

સ્મિથ— આ બે છોકરા જોળીઆ દેખાય છે. એનાં નામ શું છે ?

ઘા૦— હા, એની માને ત્રણવાર જોળીઆં છોકરાં થયાં; આ બંને છોકરાનાં નામ ભીમ અને અર્જુન રાખ્યાં છે. આપના મુલકમાં જોળીઆ છોકરાં થાય છે ?