પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
ઘાશીરામ કોટવાલ.

ભાઇની તરફનો દાવ આગળ ચલાવી હરાવી દેતો હતો. કોઈ વખત તો મંડળીમાંનું કોઈ પણ આ બીજો ભાઈ છે, એમ જાણી શકતો નહીં. ત્યાર પછી નિકોલસે એક શ્રીમંત કન્યા સાથે વિવાહ કરવાની વાતચિત કરી. તે વાત તે કન્યાએ કબુલ રાખી હતી. બાદ ક્લાંડી તેની પાસે ગયો, ને તે પણ તે જ પ્રમાણે વાત કરવા લાગ્યો. તે વખત નિકોલસની પ્રથમની મુલાકાત સમયે થયેલી વાતનો મજકુર બોલવામાં આવ્યો નહીં. તે ઉપરથી તેનું નામ પૂછ્યું, અને તેણે નામ બતાવવા ઉપરથી માલુમ પડ્યું કે આ બીજો ભાઈ છે. તેથી તે કન્યાએ જવાબ દીધો કે, મેં પ્રથમ તારા મ્હોટા ભાઇને વચન આપ્યું છે. ત્યારે તે માફ માગી રજા લઇ પાછો આવ્યો.

આટલી વાત થયા પછી ઘાશીરામે એક રૂપાની દાબડી ઉઘાડી તેમાંથી એક નહાની ચણાની દાળ કાઢી જોન્સને બતાવી બોલવા લાગ્યો.

ઘા૦— આ દાળ ઉપર કેવું કામ બનાવ્યું છે તે જુવો. એના ઉપર અંબાડી સુદ્ધાં હાથી ચિતર્યો છે.

જોન્સ— એ કામ ઘણું જ બારીક છે. વાહવા ! સારી કારીગરી કરી છે ! એ કોણે ચિતર્યું છે ?

ઘા૦— કર્નાટક દેશના એક ચિતારાએ ચિતર્યું ને તે બદલ તેને શ્રીમંતે મેાટું ઈનામ આપ્યું હતું.

સ્મિથ— એ ચીજ બનાવનાર મ્હોટો ચતુર છે ખરો; પણ એ ચીજ લોકોને ઉપયોગી નથી. આવી વાતોની અમારા દેશમાં આગલા વખતમાં ઘણી પડપુછ હતી; પરંતુ હાલ તેટલી નથી.

જોન્સ— ઇટાલી દેશના એક સંતે અમારા ધર્મપુસ્તકમાંથી બાર ભક્તના ધર્મનો સાર તથા તે બારમાં એક સેંટજાન નામનો સાધુ થયો હતો, તેની શુભ વાર્ત્તાનો સારાંશ તમારી શીવરાઈ જેવડા કડકા ઉપર લખ્યો હતો.

ઘા૦— અમારા ધર્મમાં બારથી વધારે ભક્ત કહેલા છે ને તે વિષે ગ્રંથ છે, તેનું નામ ભક્તિવિજય છે.

જોન્સ— વળી અમારી વિલાતમાં ઈલિઝાબેથ નામની મહારાણી થઈ હતી; તેને એક કારીગરે અંગુઠાના નખ જેટલો કાગળનો એક કડકો નજર કર્યો હતો. તે ઉપર અમારા ધર્મના દશ હુકમ, બાર ભક્તના ધર્મનો સારાંશ, ઈશુખ્રિસ્ટ પ્રાર્થનાસ્તોત્ર, રાણીનું નામ તથા સને એટલું લખ્યું હતું.