પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
ઘાશીરામ કોટવાલ.

એટલામાં બીજો વેષ જૈન લોકોના ગોરજીનો આવ્યો. તેણે પોતાના મોહોડા ઉપર કડકો બાંધ્યો હતો. માત્ર નસકોરાં તથા ખાંખ એટલું જ ખુલ્લું રાખ્યું હતું. એ વેષ આવતાં જ ભાટ એક બાજુ પર થઈ ગયો. પછી તેણે તથા ગોરજીએ ખેલ શરુ કીધો.

જતી— સર્વ લોકોનો ઉદ્ધાર કરવા શ્રી આબુજી પર્વત ઉપર જૈન ધર્મ પ્રગટ થયો. ત્યાં મહાપ્રભુજી શ્રીપારશનાથજી અદ્યાપિ બિરાજે છે. તેનાં મંદિર જેવાં ઉંચાં તથા પવિત્ર સ્થલ ચારે દિશામાં બીજે કશે નથી. ત્યાંથી પૃથ્વીની ચારે દિશા દેખાય છે. અમારો ધર્મ પ્રગટ થયો, તે વખતે સઘળી જાતના લોકો એકઠા થયા હતા. તેમાં મરેઠા, મુસલમાન તથા ફરંગી માત્ર નહોતા. કારણ કે એ લોકો રસ્તો ચૂકી ગયા. તેમાં મુસલમાન મક્કા તરફ ગયા. મરેઠા કાશી તથા રામેશ્વરમાં અટકી ગયા ને ફિરંગી ક્યાં નાશી ગયા, તેનું કાંઇ ઠેકાણું લાગ્યું નહીં. તેથી કરીને આ ત્રણે વર્ણ અજ્ઞાનપણામાં રહી છે.

ભાટ— ખરી વાત ! આ ખરી વાત છે ! આ મહાપુરુષના પગ પકડો, એટલે તમે નરકની પેલી તરફ જશો. જતીજી ! આપે કયા કયા દેશો જોયેલા છે ?

જતી— આ પૃથ્વી ઉપરની કોઈ જગ્યા મારા જોયા વગરની રહી નથી.

ભાટ— કાશીવિશ્વેશર તથા રામેશ્વર ગયા હતા?

જતી— તમે એ નામો લીધાં તો અમે એક ક્ષણ ત્યાં ઉભા રહેનાર નથી. એ બંને રસ્તા નરકમાં જવાના છે.

ભાટ— શ્રોતાઓ ! તમે ધ્યાન રાખીને સાંભળો, તમે ધ્યાન રાખીને સાંભળો ! પારસનાથ સિવાય બીજો દેવ કામનો નથી.

જતી— અહિંસા કરવી નહીં, સાધુએ કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં, એ અમારો મુખ્ય ધર્મ છે.

ભાટ— પરસ્પર ચાલે છે ને ચાકરો તો હોય જ છે.

જતી— અમારે સેવકોને ઘેર દર્શન આપવા ફરવું પડે છે, તેથી થાકી જાઇએ છઇએ; વાસ્તે રાત્રે પગ ચાંપવા સારુ એક બે છોકરા રાખવા પડે છે.

ભાટ— (માથું હલાવીને) ખરી વાત છે ખરી વાત ! મને માલુમ નથી. હશે, તમે આ કચેરીની મંડળીને એાળખો છો ?