પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
ઘાશીરામ કોટવાલ.


પં૦— આપના આગ્રહને લીધે હું કબુલ કરું છું, પરંતુ એવું દાન લીધા પછી મારે તથા મારી સાથેના બ્રાહ્મણોને પ્રાયશ્ચિત્ત કરવું પડશે ને તે પ્રાયશ્ચિત્ત કરતાં ઘણો ખરચ લાગશે.

ઘા૦— હરેકને કેટલો ખરચ થશે ?

પં૦— થેાડામાં થેાડા સવાસો રૂપીઆ ખર્ચ લાગશે.

ઘા૦— કાંઇ ફીકર નહીં; એક કુંભ પાછળ સવાસો રૂપીઆ દક્ષણા આપીશ, એટલે બસ થશે.

આ પ્રમાણે એકાંત વાતચિત થયા પછી પંડિતજી પોતાને ઘેર ગયા. બાદ ઘાશીરામે એક કુંભ રૂપાનો ને ૧૧ કુંભ ત્રાંબાના તૈયાર કરાવ્યા. બાપની સમચરીને દિવસે પંડિતજીને બોલાવા મોકલ્યું. ત્યારે પંડિતજી પોતાના મોટા ભાઈ, એક પીતરાઈ ભાઈ બે ભાણેજ, પેાતે મણિયાર જાતની પરદેશણ રાખેલી હતી તેના બે છોકરા, ને રાખેલી એારતના બાપ તથા બે ભાઈ, તથા પોતાના ભાઇની રાખેલી કુંભારણનો એક છોકરો; એ સર્વને કપાળે પોતાની પેઠે વિભૂતિ લગડાવી તથા ચંદનના ટીલાં કરાવી, એ ૧૧ જણને લઇ કોટવાલને ધેર આવ્યા. પછી રુપાના તથા ત્રાંબાના ઘડાઓનું દક્ષિણા સહિત દાન લઇને, ખીર પુરી સારી પેઠે જમીને તથા પાનના બીડાં ખાઇને ઘેર ગયા. પછી મણિયારણ તથા કુંભારણના છોકરાંએાનાં ટીલાં ભુંસાવી નાંખીને માથે ફેંટા બંધાવી, બારે કુંભમાંનું દૂધ એક બીજા વાસણમાં ભરાવી બજારમાં વેચી નખાવ્યું. બે ત્રણ દહાડા પછી પંડિતજી પોતે દાઢી મુછ મુંડાવી કોટવાલને મળવા ગયા. તેની સાથે “ઈકડુન ટીકડુન”ની વાતો કરી કોટવાલ પંડિતજીનો હાથ પકડીને કોટડીમાં લઈ ગયા. તે જગે આ પ્રમાણે બોલવું થયું.

ઘા૦— પંડિતજી, આપને મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું, એ વાત ખરી છે; પણ અમારા બાપનો નરકયોનિમાંથી છૂટકો થયો.

પં૦— હા, થયો ખરો, પણ થોડી વાત રહેલી છે, તેનો દાખલો ગઈ રાત્રે સ્વપ્નમાં અમને માલુમ પડ્યો છે, તે આપને કહેવાને આવ્યો છું.

ઘા૦— કૈ વાત રહી ગઈ છે, ને સ્વપ્નામાં શું માલુમ પડ્યું છે ?

પં૦— એવું માલુમ પડ્યું કે, આજ સુધી સધળું તો બરાબર થયું; પણ માબાપને અન્ન પાણીની તજવીજ અદ્યાપિ સુધી કાંઈ થઈ નથી.

ઘા૦— તેને સારું શું તજવીજ કરવાની છે ? મારું વેતન સરકારમાં ઘણું થોડું છે ખરું; તો પણ આપની મહેરબાનીથી ખરચ કરવાને કાંઇ કમી નથી.