પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ઘાશીરામ કેાટવાલ.

હતું. તે દિવસ બાવા બાસુદી પુરી સારી પેઠે જમ્યા પછી, પ્રસાદ લેવા મંડળી આવી હતી. તેની રુબરુ એક શિષ્યે પૂછ્યું કે આજે બાસુદી ક્યાંથી લાવ્યા હતા? ત્યાં બાસુદી લાવનાર પણ પ્રસાદ લેવા આવ્યો જ હતો; તેને એક શિષ્યે આંગળીના ઈસારાથી બતાવી કહ્યું કે આ ગૃહસ્થે બાસુદી પુરીની સામગ્રી આપી હતી. તે ઉપરથી બાવાને ઘણો ગુસ્સો ચહડ્યો, ને જલદીથી ઉઠીને પોતાની ધુણીમાંથી બળતું લાકડું લઇને શિષ્ય ઉપર ફેંક્યું, પણ તે તેને લાગ્યું નહીં. મારું બધું શરીર વટલાવ્યું. પેટમાં ગયલો સઘળો પદાર્થ બાહાર કહાડી નાખ્યા શિવાય બીજો કાંઈ ઈલાજ નથી; વાસ્તે હવે પેટ ફાડવું જોઇએ. એવું કહીને રાંધવાની જગો પર છુરી પડેલી હતી તે લેવા સારુ બાવો દોડ્યો. તેવા જ બે શિષ્યે તેના હાથ પકડીને ક્ષમા ગુરુજી ક્ષમા ! એમ કહીને પ્રસાદ લેવા આવેલી મંડળીને “વારો વારો નહીં તો અનર્થ થશે.” એવું ગભરાઇને બોલવા લાગ્યા. તે ઉપરથી તે મંડળીએ ઉઠીને કોઇએ બાવાજીના પગ પકડ્યા, કોઇએ લાંબા થઇને દંડવત કર્યો, કોઇ આંખમાંથી આંસુ પાડી વીનવવા લાગ્યા; ત્યારે બાવાજી મૂર્છા આવ્યા પ્રમાણે કરી જમીન પર પડ્યા. પછી બે શિષ્યોએ તેને ઉંચકી તેના બિછાના ઉપર સુવાડી દીધા, ને પંખાથી પવન નાંખવા શરુ કર્યો, ને મંડળીના લોકોને રજા આપી. આ સઘળી હકીકત ચાવડી ઉપરના સીપાઇની તરફથી ઘાશીરામને જાહેર થઇ. તે ઉપરથી તે બીજે દિવસે સવારમાં બાવાજીને મળવા આવ્યો. તે વખત બાવાજી પીપળાના થાળા ઉપર સમાધિ ચહડાવી બેઠા હતા. તેની આગળ કોટવાલ લ્હેજોભર ઉભો રહ્યો, તેના સ્વારીના ઘોડાએ ખંખાર્યું, તો પણ બાવાજીએ આંખ ઉઘાડી નહીં. ત્યારે કોટવાલે રણસીંગું ફુંકવાનો હુકમ કર્યો; તો પણ બાવાજીનું આસન ડગમગ્યું નહીં. તેથી કોટવાલ પાછો જવા લાગ્યો. તે વખત શિષ્યોમાંના એક શિષ્યે તેના ઘોડા પાસે જઈને કહ્યું કે, સ્વામીની સમાધિ બે પહોર સુધી પૂરી થતી નથી, વાસ્તે આપને મુલાકાત કરવાની મરજી હોય તે સાંજના સ્વારી આવશે તો નિરાંતે મુલાકાત થશે. એ વાત સાંભળીને ગયા. તે બીજે દિવસે સાંજરે બાવાજીને મુકામે ઘાશીરામ આવ્યા. તે વખત બાવાજી વાઘના ચામડા ઉપર બેઠા હતા. મોહોડા આગળ ધુણી બળતી હતી ને હાથમાં ગીતાજીનો એક અધ્યાય હતો. એ રીતે તેણે જોયા. ઘાશીરામ આવીને મોહોડા આગળ બેઠો. તેની તરફ બાવાજીએ જોયું, ન જોયું એવું કર્યું. પછી આ કોટવાલ સાહેબ આવ્યા છે, એવું કોઈ મંડળીમાંના સખસે કહ્યું, ત્યારે બાવાજીએ ઘાશીરામ