પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ઘાશીરામ કેાટવાલ.


કોટવાલે ઘણું સારું, એમ કહી રજા લીધી.

બીજે દિવસે બાવા પોતાનો સઘળો મુકામ ઉઠાવી સાંજરે કોથરુડ ગયા. ત્યાં ઠરાવ પ્રમાણે ઘાશીરામ પણ આવ્યા હતા ને સઘળું સાહિત્ય તૈયાર હતું. બાવાએ નાહીને સંધ્યા કરી, પછી આરતીની વખતે ઘાશીરામને મંદિરમાં બોલાવ્યો. ત્યાં બાવો, તેનો એક શિષ્ય તથા ઘાશીરામ એ ત્રણ જણા જ હતા. આરતી થઇ રહ્યા પછી વૈશ્વદેવ સારુ ત્રાંબાના વાસણમાં દેવતા લાવીને તે ઉપર એક ન્હાનું કોડીયું મૂકી, તેમાં ઘી રેડ્યું. તે તપીને બળવા લાગ્યું ત્યારે શિષ્ય પાસે એક ત્રાંબાનો પૈસો માંગ્યો. તે પૈસાની પૂજા કરી તેને કાંઈ ચોપડ્યું. એવું બતાવી તે પૈસો કોડિયામાં નાંખ્યો. તેની સાથે કોડિયાનું ઘી ઉકળી તેમાંથી જ્વાળા નિકળી ને બળી ગયું. પછી કોડિયું અગ્નિમાંથી ક્હાડી જમીન ઉપર ઉંધું નાંખ્યું. તેની ઉપર શિષ્યે પાણી છાંટી ચતું કર્યું. તેમાં સોનાનું પુતળિયું ચીકટાયલું હતું તે શિષ્યે કહાડી ધોઇને સાફ કરી બાવાના હાથમાં આપ્યું. તેણે તે પુતળિયું પોતાની કમરમાં ખોસ્યું, પછી વૈશ્વદેવ કરીને પાનનું બીડું દેવ આગળ મૂક્યું, અને “સુવર્ણ પુષ્પ દક્ષિણાં સમર્પયામિ” આ મંત્ર ભણીને કમરમાંથી પુતળિયું કહાડી બીડા ઉપર મૂકી પાણીની અંજળિ આપીને જમવા બેઠા. જમી રહ્યા પછી બાવાના શિષ્યમાંનો એક શિષ્ય તે પુતળિયું લઇને રસોડામાં ગયો, ને ત્યાં રસોઇઓ તથા બીજા ખટ૫ટી બ્રાહ્મણો હતા, તેને પુતળિયું આપી, બાવાજી પારકું અંન ઘણું કરીને લેતા નથી, ને અગર કોઇ પ્રસંગે લેવાની જરૂર પડે તો તેનો બદલો વાળ્યા વગર રહેતા નથી; વાસ્તે આ પુતળિયું સઘળાને વહેંચી આપો, એમ કહ્યું. બાવાજી પાનનું બીડું ખાવા દેવાની આગળ બેઠા હતા, એટલામાં કાંઇ કામની હકીકત કહેવા સારુ કોટવાલ રસોડાના બારણા આગલ ગયા, ત્યાં રસોઈઓ એ બાવાના શિષ્યે પુતળિયું વહેંચી આપ્યાની હકીકત તેને કહી. તે ઉપરથી બાવાજી કીમીઓ કરી જાણે છે, એવી તેની ખાતરી થઈ ને બાવા પાસે ગયો. પછી બાવાસાથે વાતચિત થઇ તે:-

ઘા— હવે રાત્ર પડી છે; વાસ્તે ભાંબુરડ જવું અત્યારે બંધ રાખો, અને રાતની રાત હ્યાં જ રહો. સવારને વાસ્તે જે કરવું હશે તે થઈ રહેશે.

બાવા— આ જગા ઘણી જ સારી છે; ઠીક આજ શુદનોમ થઈ. વદ પડવાને દિવસ કોકણ જવાનું મુહૂર્ત્ત છે; વાસ્તે પાંચ છ દિવસ હ્યાં રહીશું ને પછી પરબારા હ્યાંથી જ ચાલ્યા જઇશું. પુનામાં બિલકુલ જઇશું નહીં.