પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
ઘાશીરામ કોટવાલ.

એવો તેણે જવાબ દીધો. તે ઉપરથી રેસિડેંટ સાહેબ ઘણા નાખુશ થયા ને એ વોહોરાની ફારગતી ચાર ઘડીમાં ન આવી તો મુંબઈ સરકારમાં લખી ત્યાંથી પેશવા સરકારને યાદી લખવાનો બંદોબસ્ત કરીશું. એ પ્રમાણે ઘાશીરામને કહીને તેને પાન બીડાં ન આપતાં રજા આપી. બાદ ઘાશીરામે જલદીથી ઘેર જઇને સીકાઇ રૂપીઆ સો રેસિડેંટ સાહેબ પાસે મોકલી, આપે મરજી મુજબ તેની પાસેથી રસીદ લઇ નિકાલ કરવો એવું કહેવાડ્યું. તે ઉપરથી રેસિડેંટ સાહેબે વોહોરાને બોલાવી તે રૂપીઆ તેને આપી, છીપી રૂપીઆમાંથી પાંચ ખેાટા રુપીઆ નદીમાં ફેંકી દઇ બાકીના રૂપીઆ ૧૫ નુકસાન બદલ તે વોહોરાને આપી ફારગતી લીધી.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૨.

દશેરાને દિવસે ઘાશીરામ પોતાના માળ ઉપર બેસીને ત્યાંથી બારણા આગળ બાજીગરની રમત થતી હતી તે જોતો હતો. તે બાજીગરે હસ્તક્રિયા તથા બીજાને ઠગવાના તરેહતરેહના ખેલ કીધા. તેમાં એક છુરીનું પાનું નવ તસુ લાંબુ તથા પોણો તસુ પોહોળું પોતાના ગળામાં ઘાલી પાછું ઓકી કહાડ્યું. પાનું ગળામાં ઘાલતાં તથા બહાર કહાડતાં પોતાનો જીવ આકુળ વ્યાકુળ થયો એમ તેણે બતાવ્યું, તે ઉપરથી તે બાજીગરને કોટવાલે બક્ષીસ આપી રમત પૂરી કરાવી. તે વખતે કોટવાલની પાસે ઇટાલિયન સામાનના કારખાનામાંથી આવેલો હતો, તેની સાથે કોટવાલને વાતચિત થઈ તેઃ–

ઘા૦— જુવો એણે કેવો મોટો ચમત્કાર કરી બતાવ્યો.

ઇટાલિયન— તેણે આપને ઠગ્યા. તેણે છુરીનું પાનું મોહોડામાં પેસાડી દીધું એવું આપને દેખાડ્યું ખરું; પણ તે પાનું તેના ગળામાં બિલકુલ ગયેલું નહીં. છુરીની મુઠ પોલી છે, તે કારણથી પાનું ગળામાં પેસી ગયા જેવું આપને દેખાતું હતું; પણ તે પાનાની અણી માત્ર દાંતમાં તેણે પકડી હતી ને પાનું છુરીના હાથામાં પેસી ગયું હતું, તેથી મુઠ મોહોડે વળગી રહી હતી. એવા લોકો અમારા દેશમાં ઘણા છે ને તેઓ ઘણી ચાલાકીથી ખેલેા કરી બતાવે છે.

ઘા૦— એમ શું બોલો છો? એ જાદુગરની વિદ્યા છે. તે વિદ્યાના જોરથી એ જાદુગરને એવા અદ્ભુત ચમત્કાર કરી બતાવતાં આવડે છે.

ઇ૦— આપને મારાપર ભરોંસો નથી તો તેણે મોહોડામાં ઘાલેલી છુરી મંગાવીને જુવો.