પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ઘાશીરામ કેાટવાલ.

ઇટાલિયનના આગ્રહ ઉપરથી કોટવાલે સીપાઇ મોકલી તે બાજીગરને પોતાની પાસે તેડાવ્યો, ને કહ્યું કે જે છુરી ગળામાં પેસાડી દીધી હતી, તે જોવાને આપ. જાદુગરે છુરી ન બતાવતાં તે મંત્રેલી છે, બીજો હાથ અડકાડે તો તે જ વેળા મરી જાય; વાસ્તે આપે તેને હાથમાં લેવાનો ભરોંસો રાખવો નહીં, એવો જવાબ દીધો. તે ઉપરથી ઇટાલિયન માળ ઉપરથી નીચે આવીને જાદુગરને કહેવા લાગ્યો કે હું મરીશ તો ફીકર નહીં, મારા હાથમાં તે છુરી આપ. તે વખત મંત્રેલી જીનસ બીજા કોઇના હાથમાં આપવી નહીં એવા અમારા ગુરુનો હુકમ છે; વાસ્તે તમે મારો જીવ લ્યો તો પણ છુરી તમારા હાથમાં આપનાર નહીં, એવો જવાબ દઈ તે બાજીગર ચાલ્યો ગયો. તે ઉપરથી ઇટાલિયન કોટવાલ પાસે પાછો ઉપર આવ્યો. તે વખત તેઓનું બોલવું થયું તે:—

ઘા૦— તમે કહો છો તે અમને હવે ખરું લાગે છે.

ઇ૦— છુરી તથા ચકુ ખરેખર ગળી ગયાના કેટલાક દાખલા અમારા દેશમાં થયેલા છે. તેમાં ચક્કુનાં પાનાં ઉઘડાય ભીડાય એવાં હોય છે; તેવાં પચીસ ચક્કુ એક જાન કમિંગ્સ નામનો અમેરિકન દરીઆ કીનારા ઉપર રહેનાર હતો, તેણે અનેક વેળા ગળેલ છે. તે સિવાય એક દિવસમાં ચૌદ ગળ્યા હતા. બાદ તે એવું કરવાના સબબથી રોગી થઈ મરી ગયો. વિલિયમ ડેમ્સટીર નામનો એક બાજીગર કાર્લૈલ શહેરમાં તમાસો કરતો હતો. તેણે હાથમાં એક છુરી લઇને એ ગળી જાઉછું એવું આસપાસના લોકોને કહીને મોહોડામાં ઘાલી. તે વખત પોતાની કોણીને કોઇ હાથ લગાવે છે એવું તેને માલુમ પડવાથી ગભરાયો. તે કારણથી તે છુરી હાથમાંથી સરી ગઈ ને ગળામાં ઉતરી પેટમાં ગઈ. તે વખતે એ ઘણો બીધો. બાદ ઓસડ કરવા સારુ તેને ગરીબ લોકોને મુફ્ત દવા આપવાનું દવાખાનું હતું ત્યાં લઇ ગયા. ત્યાં ઘણી તરેહના ઉપાયો કર્યા. આખરે પેટ કાપી છુરી બહાર કહાડવા શિવાય સારું થનાર નથી એવો વૈદોએ સભા કરીને ઠરાવ કર્યો, ને પેટ કાપવાની તૈયારી કરી, પણ વિલિયમે તેમ કરવા દીધું નહીં, તે કારણથી તે મરણ પામ્યો. તેની ઉમર સુમારે ૨૮ વર્ષની હતી, ને જે છરી પેટમાં ઉતારી હતી તે નવ તસુ લાંબી ને એક તસુ પહોળી હતી. તેને હાથીદાંતનો હાથો હતા, ને તે છુરી ગળ્યા પછી તે બે મહીના સુધી જીવ્યો હતો. સન ૧૬૩૬ ના વર્ષમાં પૃશિયા દેશમાં એવી જ રીતે એક બાજીગરના હાથમાંથી છુરી ફૂટી પડવાથી ગળામાં ઉતરી પડી હતી. તે તેનું પેટ કાપી વૈદ લોકોએ કહાડી હતી. બાદ તેનો જખમ રુઝાઈ તે સારો થયો હતો.