પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪.

ઘણું લંબાણ થઈ જાય; માટે મારે એટલું જ કહી સંતોષ પામવું જોઇએ. કે, સંસારી હાલતના સુધારાનો નીતિનો અને સ્વતંત્રપણાનો આપના કરતાં કોઈ પણ બીજો મોટો મિત્ર નથી. એ કારણસર તમને જે જે ખમવું પડ્યું છે, તેનો દશમો ભાગ પણ કદાચ બહારના લોકો જાણતા નહીં હોય. પણ શેઠજી, તમારી ઘણીએક ગુપ્ત સખાવત તથા ગરીબ મિત્રોને વખતસર આપેલી મુદત અને એ શિવાય એવાં બીજાં કામો વિષે બોલવાને મને વખત નથી. આ બધું ધ્યાનમાં લેતાં આપણી યુનિવર્સિટીની વાર્ષિક ગઈ સભામાં આપણો નામદાર ગવર્નર જે બોલ્યો છે, તે ઘણું યોગ્ય અને યથાર્થ માલુમ પડે છેઃ ગવર્નર સાહેબે કહ્યું કે, “મિસ્તર કરસનદાસ માધવદાસે લાંબી મુદત સુધી પોતાની જાતને ખરચે હિંદુસ્થાનના સુધારા, જ્ઞાન અને સત્યતાની સાથે પોતાનું નામ ચુસ્ત રીતે જોડ્યું છે.” દરેક માણસ જેણે તમારી જાહેર વર્ત્તણુક નિષ્પક્ષપાત રીતે જોઈ હશે, તે સર બાર્ટલ ફ્રિયરે જે આવી સુંદર રીતે વિચાર આપ્યા, તેની સાથે ઘણી ખુશીથી એક મત થયા, વગર રહેશે નહીં. હવે શેઠજી એક જ બોલમાં કહેવાની રજા લઉં છઉં કે, તમારું નામ આ રીતે આલમની આગળ મૂકવામાં મારું મુખ્ય કારણ એ છે કે, આપનો દાખલો બીજા ધારણ કરે. અમારે તમારા જેવા મિત્રોની જરૂર છે, અને હું આશા રાખું છું કે, હિંદુ શેઠિયાઓમાંથી ઘણાક તમારી ચાલનો દાખલો લઈ તમે જેમ દેશને લાભકારી થયા છો, તેમ તેએા પણ થાય. સર્વશક્તિમાન્ ઈશ્વર તમારી આયુષ્યવૃદ્ધિ કરે અને સર્વ પ્રકારનાં સુખ તમોને બખશે, એવી મારી પ્રાર્થના છે.

સુરત, તા૦ ૧૭ જુલાઈ, ૧૮૬૫.


સાહેબ, તમારો આજ્ઞાંકિત સેવક,

શાકે૨રામ દલપતરામ.