પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
ઘાશીરામ કોટવાલ.

તે માળા તેણે રામચંદ્રજીના ગળામાં નાખી. તેજ પ્રમાણે દ્રૌપદીજીના લગ્ન સમયે અર્જુને નીચે તેલમાં મચ્છનું પ્રતિબિંબ જોઈને ઉપર મચ્છનો ડોળો તીરથી વીંધ્યો હતો. તે વખત હાથીએ અર્જુનના ગળામાં માળા ઘાલી હતી.

ટા૦— એક હાથીને ઝાંઝ વગાડતાં શિખવ્યો હતો. તે ઝાંઝનાં બે પડો બે પગને ઘુંટણે બાંધ્યાં હતાં, ને ત્રીજું પડ હાથીએ શુંડમાં લીધું હતું, અને ગત વગાડતો. તે પ્રમાણે બીજા હાથીઓ આસપાસ ઉભા રહીને નાચતા, તેમાં બે તાળ થતા નહીં.

ઘા૦— અમારા હાથીને શીંગું ફૂંકતાં આવડે છે.

ટા૦— તેમાં કાંઈ મુશ્કેલ નથી. ઈસ્તંબોલ કરીને તુર્કી દેશનું એક શહેર છે. તેમાં એક હાથી હતો, તે દડીએ રમતો હતો. તે માણસની પેઠે દડીને ઈદર તીદર ઉરાડીને શુંડથી ઝીલી લેતો હતો. બીજો એક હાથી બે ત્રણ અક્ષર લખતો હતો. તેને માણસ અક્ષર બતાવતા કે, તે પ્રમાણે પાટી ઉપર અક્ષર કહાડતો.

ઘા૦— અમારો હાથી માત્ર લખતો નથી; બાકી બીજું જે કામ કહીએ તે કરે છે.

ટા૦— કામ કરાવ્યાના પ્રકાર અમારા વાંચવામાં તથા જોવામાં ઘણા આવ્યા છે. સવારના પહોરમાં ઉઠીને સાવરણી લઈને ઝાડું કહાડતાં, તથા નદી ઉપર જઈને પાણી લાવી બારણે છંટકાવ કરતાં હાથીને શિખવે છે. વહાણને જમીન ઉપરથી દરીઆમાં હાથી ઘસડી જાય છે. તેમાં એક હાથીએ એક વહાણને માથાની ટોચ લગાડી એટલું જોર કર્યું કે તેનું માથું તે જ વખત ફૂટીને મરી ગયો. એક વખત એક મજબૂત ભીંત પાડવાને બે હાથી લગાડ્યા હતા. તેઓએ પોતાની શુંડથી અાંટી મારીને ઘણી વાર સૂધી ભીંતને જોરથી આંચકા માર્યા. આખર તે ભીંત પાસેથી નાશીને દૂર ગયા કે ભીંત પડી ગઈ.

ઘા૦— અમારો હાથી મહાવતનાં છોકરાં રમાડે છે.

માલીટ— એવી વાતો ઘણી છે. મહાવતની બાયડી બહાર જવાની હોય છે ત્યારે પોતાનાં બાળકને હાથીને સોંપી જાય છે. છોકરું જ્યાં બેસાડ્યું હોય ત્યાંથી ઘુંટણીઆ ભર હાથીના પગ આગળ જાય છે. તે વખત પગ લાગવા ન દેતાં હાથી તેને ત્યાંથી શુંડવતી લઈને તેજ ઠેકાણે પાછું બેસાડે છે. પાળણામાં છોકરું હોય છે, તે વખત શુંડથી તેના ઉપરથી મછર ઉરાડે છે ને તે છોકરું રડે છે ત્યારે પાળણું હળવે હળવે હલાવીને તે ઉંઘી જાય એમ કરે છે. એવી હાથીની ઘણી વાતો છે.