પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
ઘાશીરામ કોટવાલ.

પેઠો, વાયુ શ્વાસ થઈ નાકમાં ગયો; સૂર્યે દૃષ્ટિ થઈને આંખમાં પ્રવેશ કર્યો. આકાશે શ્રવણ થઇને કાનમાં પ્રવેશ કર્યો. વનસ્પતિ તથા ઝાડ રુંવાટાં થઇને ત્વચા ઉપર બેઠાં, ચંદ્રે મન થઇને હૃદયમાં પ્રવેશ કયોં. મૃત્યુ આપાન થઇને ડુંટીમાં ગયું. પાણીએ ઉત્પત્તિનું બીજ થઇને પ્રજાપતિમાં વાસ કર્યો. ત્યાર બાદ ભુખ તથા તરસે જગા માગી. તેને સઘળા દેવતાઓમાં વાસ કરવાનું ફરમાવ્યું. બાદ અન્ને પાણીની ઉત્પત્તિ કરી અને પાણીમાં આકૃતિ આવતાં જ હાલીને દોડવા લાગ્યું. તે વખતે પુરુષે, વાચાએ, શ્વાસે, દૃષ્ટિએ, શ્રવણે, ત્વચાએ, મને તથા પ્રજાપતિએ પાણીને અટકાવવાની કોશીશ કીધી; પણ તે અટક્યું નહીં. ઇંદ્રિયોના સામર્થ્યથી જો પાણી ઉભું રહે તો, અનાજનું નામ લીધાથી, તેને જોવાથી, તેનું નામ સાંભળવાથી, તેને અડકવાથી, અથવા તે ઉપર પડવાથી ક્ષુધાની તૃપ્તિ થાય. આખરે પુરુષે અપાનના યોગથી પાણીનો અટકાવ કરવા માંડ્યો, તેથી કરીને તે થંભ્યું. બાદ આત્માએ પુરુષમાં પ્રવેશ કર્યો. પછી પુરુષ એજ વિશ્વાત્મા છે એમ થઇને “અહં” એટલે “હું” એવો શબ્દ કહાડ્યો; અને સર્વાત્મા સઘળાની દેહમાં છે તેની હજી સુધી સાબેતી છે કે “તું કોણ છે” એવું કોઈ માણસ પૂછે ત્યારે “હું છઉં” એવો પ્રથમ જવાબ દે છે. આ રીતે આત્માએ પુરુષમાં પ્રવેશ કર્યા પછી એકલાને આનંદ થયો નહીં. બીજું કોઈ જોઇએ એવી તેની વાસના થઈ. તેથી મૈથુન વખત જેવી આકૃતિ હતી, તેવું પુરુષનું શરીર થયું. બાદ બે વિભાગ બરાબર થયા. તે વખત પ્રકૃતિ તથા પુરુષ બંને જૂદાં થયાં તે બંનેથી મનુષ્ય ઉત્પન્ન થયાં. પછી પ્રકૃતિએ એવું વિચાર્યું કે, હું પુરુષથી ઉત્પન્ન થવા વાસ્તે મારી સાથે પુરુષ સંગ કરે તે ઠીક નહીં. બાદ તેણે ગાયનું રૂપ લીધું. તે જોઇને પુરુષ સાંઢ થયો; તે થકી ઢોર વગેરે જાનવર પેદા થયાં. બાદ પ્રકૃતિ ઘોડી થઈ, ત્યારે પુરુષ ઘોડો થતો ને તે થકી ઘોડાં થયાં. આ પ્રમાણે સઘળાં ચોપગાં તથા જીવજંતુ, તથા પક્ષી, તથા કીડી, મંકોડી, એની મા પ્રકૃતિ ને બા૫ પુરુષ, તેઓનાં જૂદાં જૂદાં સ્વરૂપ લઇને જૂદી જૂદી ઉત્પત્તિ કરી છે. શાસ્ત્રમાં એવા બીજા કેટલાક પ્રકાર કહેલા છે; પરંતુ સદર્હુ જણાવેલા મુખ્ય છે.

ઘા૦— (પાદ્રીની તરફ જોઇને) સીનોર પેદ્રુ ! તમારા ધર્મમાં શું છે?

પા૦— અમારું મુખ્ય ધર્મ પુસ્તક પવિત્ર શાસ્ત્ર કરીને છે. તેમાં જુના કરાર તથા નવા કરાર એવા બે મુખ્ય ભાગ છે. તેમાં જુના કરારમાં એવું લખેલું છે કે, ઈશ્વરે પ્રથમ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.