પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
ઘાશીરામ કોટવાલ.

કરવું. અમારા મૂળ ગ્રંથોનો ઘણો ભાગ નાશ થઈ ગયો, તેનું કારણ એ કે, અમારું રાજ લાંબી મુદત સૂધી ઈરાનમાં હતું ને અમારા ધર્મનું નામ માગી ધર્મ હતું. તે ધર્મ આસરે ૧૨૦૦ વર્ષ સુધી ઘણી મજબૂત અવસ્થામાં તે દેશમાં રહ્યો. બીજા ધર્મવાળા લોકો સાથે અમારી જાતના બાદશાહને હમેશા લડાઈ ચાલ્યા કરતી. આખરે ઈસવી સન ૬૪૧ માં નાહાવેદના મેદાનમાં અમારા એઝદેઝર્દ બાદશાહે દોઢ લાખ ફોજ એકઠી કરીને મુસલમાની ધર્મના લોકો સાથે લડાઈ કરી. તેમાં અમારી તદ્દન હાર થઇ, સઘળું રાજ ગયું. મુસલમાન લોકોએ અમારાં ઘરબાર તથા અગિયારીઓ લૂટીને તેનો નાશ કર્યો. જે જે ઠેકાણેથી અમારા ગ્રંથો તેએાને હાથ આવતા હતા, તે તે જગાએ તેને બાળી નાંખતા. મહમદી ધર્મ જે પાળવાનું કબુલ કરતા નહીં તેનાં બૈરાં, છોકરાં સુદ્ધાંને તેઓ કતલ કરી નાંખતા હતા. તે વખત અમારા ધર્મના લોક સીસ્તાન, ખુરાસાન તથા બીજે કેટલેક ઠેકાણે તથા પર્વત તથા રાનમાં જેને જે રસ્તો સુઝ પડ્યો, તે તરફ નાશી ગયા. ત્યાં પણ તેની પાછળ મુસલમાનો લાગ્યા. તે વખત રહી ગયેલા અમારી જાતના લોકો ઝાઝમાં બેસીને કોંકણ કાંઠે આવવાને ઘણે ઠેકાણે ઉતરવાની મહેનત કીધી. આખરે સજાણ કરીને ઉત્તર કોકણમાં જગ્યા છે, ત્યાંના રાજા સાથે કરારનામું કરીને ત્યાં રહ્યા. પછી પ્રથમ આતસબેહેરામ એટલે અગ્નિકુંડ તે જગાએ શુદ્ધ કર્યો. આતસબેહેરામ શુદ્ધ કરવાને એક હજાર ને એક જાતના અગ્નિ જોઇએ; સજાણની અગિઆરીમાંનો અગ્નિ ઇરાનથી લાવ્યા હતા. બાદ સજાણથી આતશબેહેરામ ઉઠાવી ઉદવાડે લઈ જઈને ત્યાં સ્થાપના કરી ને ત્યાં હજી સૂધી છે. અમારી તમામ જાતના લોકોનો એક જ પંથ હતો. થોડા વર્ષ પછી શાલની ગણતરી કરતાં હિસાબમાં તકરાર પડવાથી બે તડ થયાં. એક રસમી ઉર્ફે શેનશાહી ને બીજું કદમી એટલે ચુડીગર. તેમાં કદમીના ફિરકામાં ઘણા લોક છે. બેઉ ફિરકાવાળાઓમાં જમવા જમાડવાનો તથા લગ્ન કરવાનો વ્યવહાર છે. તે એક આતશબેહેરામના દેવળમાં દર્શન કરવા જાય છે અને રસમીનો કદમી ને કદમીનો રસમી થાય છે. અમારા આચાર્યોને દસ્તુર કહે છે. ઉપાધ્યાયનું કામ કરનાર લોક બીજા છે, તેને મોબેદ કહે છે. તે સઘળા હમેશ સફેદ કપડાં વાપરે છે, કાળાં કપડાં પહેરતા નથી; કેમકે અમારા પેગંબરે એવું કહેલું છે કે, હોરમજ એટલે પરમેશ્વર જે વખત સફેદ અને શુદ્ધ તેજમાંથી નિકળ્યા, તે વખત અહરીમાન નામનો દૈત્ય અંધકારમાંથી પ્રગટ થયો, ને તેની કીર્તિ તથા સ્વભાવ અંધકાર જેવાં હતાં. પરમેશ્વરે સદ્ગુણરૂપી છ દૂત પેદા કર્યા. તો અહરીમાને દુર્ગુણુરૂપી દૂત પેદા કર્યા.