પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
ઘાશીરામ કેાટવાલ.

તે કારણથી હોરમજ અને અહરીમાન એ બે વચ્ચે વાદ ચાલ્યો. એક સારાં પશુ, વૃક્ષ, પક્ષી ઉત્પન્ન કર્યાં, ત્યારે બીજાએ ખરાબ પેદા કર્યાં. આ પ્રમાણે તરફેનોના હાથથી સૃષ્ટિની રચના થઇ છે. અહરીમાનનો રંગ અપવિત્ર ગણાય છે.

ઘા૦— આ વાત તો ઘણી જ લાંબી છે. હશે, એક સવાલ પૂછીને કચેરીમાં જાઉંછું. પાદ્રી સીનોર, તમારી જાતમાં બાયડી બીજો ધણી કરી શકે છે કે નહીં ?

પાદ્રી— હા, કરી શકે છે. અમારા તથા દસ્તુરજીના ધર્મમાં વિધવા ઓરતને એક મુવા પછી બીજો ને તે મુવા પછી ત્રીજો, એ રીતે ઘણા ધણી કરવાની કોઇ મનાઇ કરેલી નથી.

શાસ્ત્રી— (હસીને પ્રપંચથી) અમારું શસ્ત્ર જુઓ, કેવું ઉત્તમ છે ? સ્ત્રીનો ધણી મુવા પછી તેણીએ સતી થવું, એ તેનો મુખ્ય ધર્મ કહેલો છે. પણ તે તેથી ન બને તો તેણીએ બ્રહ્મચર્ય પાળવું ને દેવની સેવામાં ઉંમર પૂરી કરવી. પાદ્રી તથા દસ્તુરજીની જાતની ઓરતોને પશુ પ્રમાણે એક પછી એક નવો ધણી કરવો એવું છે, એમાં શું ધર્મ રહ્યો ?

પાદ્રી— (થોડા ગુસ્સામાં આવીને ) સૌને પોતાનો ધર્મ સારો લાગે છે; પણ પરમેશ્વરની પાસે મુખ્ય ઇનસાફ છે. તેની પ્રીતિ સઘળા ઉપર સરખી છે; તેને ત્યાં પક્ષપાત નથી. ખરું ખોટું સમજવાની બુદ્ધિ તેણે માણસ માત્રને આપી છે. તે દ્વારે જોતાં તમારું આચાર શાસ્ત્ર પક્ષપાતથી ભરેલું દેખાય છે. કારણકે, નામના બ્રાહ્મણ હોય એટલે થયું. પછી તેનાં આચરણ ગમે તેવાં હોય. તેને સઘળા પગે લાગે છે. બ્રાહ્મણ બીજી જાતની ઓરત સાથે વ્યભિચાર કરે તો તેને ગામબહાર કહાડવો એ મોટી સજા થઇ; ને જ્યારે બ્રાહ્મણી સાથે બીજી જાતનો સખસ કુકર્મ કરે ત્યારે તે બંનોએ દેહાંત પ્રાયશ્ચિત્ત કરવું. બ્રાહ્મણને દ્રવ્ય જડે તો તેણે જ લેવું; બીજી જાતના આદમીને જડે તો નીમે સરકારમાં આપવું ને નીમે બ્રાહ્મણને આપવું. કોઇ બ્રાહ્મણનો વંશ જાય, તો તેની માલ મીલકત બ્રાહ્મણોને વહેંચી આપવી ને ધણી પોતાના મોતથી મરે તો તેની સ્ત્રીએ આત્મહત્યા કરવી. જો ઓરત મરણ પામે તો પુરુષે જોઇએ તેટલી સ્ત્રીઓ કરવી. આ કયા ગામનો ઈનસાફ છે, તે અમારી અક્કલમાં આવતું નથી. જ્યારે અમારા ધર્મની એારતનાં આચરણ શાસ્ત્રી બાવાના મત પ્રમાણે પશુવત છે ત્યારે અમારા મત પ્રમાણે શાસ્ત્રી બાવાના ધર્મશાસ્ત્રને ધર્મશાસ્ત્ર કહેવું, બિલકુલ શોભતું નથી.