પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
ઘાશીરામ કોટવાલ.


દસ્તુર— પાદ્રી સીનોર – એટલી ભાંજગડ શું કરવા જોઇએ? આફ્રિકા ખંડમાં કેટલાક લોકો છે; તેઓની પાસે વેદ પુરાણ કાંઈ જ ન છતાં તે જંગલી લોકોમાં એવી ચાલ છે કે, ધણી મરે તો તે સાથે સ્ત્રીને, અને સ્ત્રી મરે તો તે સાથે પુરુષને દાટી નાંખવાં. તેમાં કાંઇ સરખાઇ છે તેવો ધર્મ બ્રાહ્મણોની પોથીમાં લખ્યો હોત તો પછી, ઉત્તમ શાસ્ત્ર એ નામ તેના ગ્રંથને શોભત. પણ તેમ કાંઈ નથી. મને થોડું સંસ્કૃત માલુમ છે; તે કારણથી હિંદુ લોકના જૂના ગ્રંથ મારા જોવામાં આવ્યા છે. તે ઉપરથી તો એવું સિદ્ધ થાય છે કે, વિધવા સ્ત્રીઓએ પુનર્વિવાહ કરવાની તેઓને આજ્ઞા છતાં ફકત બ્રાહ્મણ લોકોએ, સ્ત્રીઓએ બીજો ધણી કરવો નહીં, એવું પોતાના મનથી જ શાસ્ત્ર કહાડેલું છે.

ઘા૦ — કેમ શાસ્ત્રી બાવા, આ શું કહે છે, સાંભળો ;-

શા૦— દસ્તુર કેહ છે તેવો શાસ્ત્રાર્થ નિકળે તો ઘણું તો શું; પણ કોટમાંની જનોઈ તોડીને તેના પગ ઉપર મૂકું, આટલી પ્રતિજ્ઞા કરું છું.

દ૦— ઠીક છે, હું આપનો (વિદ્યાર્થી) છૌં, ને તે બતાવ્યા પછી એક સવાલ કરું છું, તેનો જવાબ આપ કૃપા કરીને આપો.

શા૦— જે કાંઈ પૂછવાનું હોય તે પૂછો : મારી બુદ્ધિ પ્રમાણે હું જવાબ દેવાને તૈયાર છું.

દ૦— શાસ્ત્રીબાવા ! પરાશરસ્મૃતિ, મનુસ્મૃતિ તથા મહાભારત એ ગ્રંથો ઉપર આપની શ્રદ્ધા છે કે નહીં?

શા૦ — હા. એ ત્રણે ગ્રંથ અમારે પગે લાગવા જોગ છે. અહીં સૂધી મેાટા જોસથી બોલવું થયા પછી દસ્તુરજીએ પોતાના સીપાઇને ચીઠ્ઠી લખી આપીને પારાશર સંહિતા તથા યાજ્ઞવલ્ક્યસ્મૃતિ, એ ગ્રંથો લાવવા મોકલ્યો, ને મહાભારત, એ ગ્રંથ કોટવાલના ઘરમાં હતો, તે શાસ્ત્રીબાવાએ લાવીને દસ્તુરજીની રુબરુ મૂક્યો. તે ઉપરથી દસ્તુરજીએ તે ગ્રંથમાંથી અધ્યાય શેાધી કહાડી નળ દમયંતીનું આખ્યાન વાંચી બતાવ્યું.

દ૦— અરે શાસ્ત્રીબાવા ! સ્ત્રીએ પુનર્વિવાહ કરવાને ખરે તમારા શાસ્ત્રે અટકાવ કરેલો છે એમ કહે છો; પણ નળ રાજા ગુમ ગયો, તે વખત તેની પટરાણી દમયંતીના પુનર્વિવાહ કરવાની તૈઆરી કરી હતી, એવું તેના બાપ ભીમકરાજાએ પોતાના ઘરશાસ્ત્રીથી અયોધ્યા જઈને ત્યાંના રાજા ઋતુપર્ણને કેમ કહ્યું? ને સ્ત્રી પરણવા સારુ તે શા વાસ્તે આવ્યો?

શા૦— દમયંતીનાં ખરેખરાં બીજીવાર લગ્ન કરવાનાં નહોતાં, એ તો નળરાજાની શોધ લગાડવા સારુ એ યુક્તિ કરી હતી.