પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ઘાશીરામ કોટવાલ.


દ૦— શાસ્ત્રીબાવા ! કાંઈ વિચાર કરીને બોલો. સ્ત્રીનો પુનર્વિવાહ કદી થતો જ નથી, એવું કહેનાર અયોધ્યાના રાજાની પાસે કોઈ શાસ્ત્રી અથવા પંડિત હતા કે નહીં ? ને તે રાજા શું બેવકુફ હતો કે?

શા૦— બીજા તમારા ગ્રંથો સીપાઈ લાવ્યા છે, તેમાંથી જે કાઢવાનું હોય તે કાઢો; પછી હું બધાનું એકદમ ખંડન કરું.

દ૦— યાજ્ઞવલ્કય સ્મૃતિમાંથી વ્યવહાર પ્રકરણ કહાડીને ઋણાદાન પ્રકરણ વાંચ્યું: તેમાં મરેલાં માણસ ઉપર કરજ આપેલા વિષે જે લખ્યું છે; તેમાં મરનાર માણસની એારતને જે કોઈ લે, તેણે મરનારના તરફનું કરજ આપવું એવું યાજ્ઞવલ્ક્ય ઋષિનું વચન વાંચી બતાવ્યું ને પારાશર સ્મૃતિમાંથી:–

नष्टे मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ
पंचस्वापत्सु नारीणां पतिरन्योविधीयते १

આ વચન કહાડીને મોહોડા આગળ મૂક્યું ને બોલ્યો કે, અરે શાસ્ત્રીબાવા ! પારાશર ઋષિના વચનમાં ધણી ગુમ થયા પછી તેની ખબર ન મળે, તે મરે, તે બેફિકર થાય, તે નામર્દ માલુમ પડે, અથવા પતિત થાય એવે પ્રસંગે એારતે બીજો ધણી કરવો એવો અર્થ છે. તે પ્રમાણે નળરાજા ગુમ થયો હતો, તે વખત દમયંતીનાં ફરી લગ્ન કરવાનું ઠરાવેલું, એ ખરું એવું અયોધ્યાના રાજાના સમજ્યામાં આવ્યું.

શાસ્ત્રી— એમાં શું સિદ્ધ કર્યું? એારતે બ્રહ્મચર્ય પાળવું, એવું બીજા ઘણા ઋષિઓએ કહેલું છે.

દ૦— કયા કયા? તે ઋષિનાં નામ કહી બતાવો.

શા૦— હું તેનાં નામ તમારે સારુ લખી લાવ્યો નથી.

દ૦— આપને માલુમ નથી તો તે હું બતાવું છું. ધર્મશાસ્ત્ર લખનારા મુખ્ય ભાનુ, ગૈાતમ, શંખલિખિત અને પરાશર વગેરે ઋષિઓ હતા. મનુએ પોતાના ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે, જૂદા જૂદા યુગોના જૂદા જૂદા ધર્મ છે; ને પારાશર સંહિતામાં:–

कृते तु मानवाधर्मा स्त्रैतायां गौतमाःस्मृताः
द्वापरे शाखलिखिताः कलौ पाराशराःस्मृताः

આ વચન આપ વાંચીને અર્થ કરશો એટલે, પારાશરઋષિ શિવાય બીજા ઋષિનાં વચન કળિયુગમાં ઉપયોગી નથી, એવું ઉઘાડું જણાશે.