પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ઘાશીરામ કોટવાલ.

જેમ જેમ શોધ કરવાની ઈચ્છા વધતી ગઈ તેમ તેમ દુરબીનની લંબાઈ જે તસુથી મપાતી હતી, તે ગજના માપ ઉપર આવી. તે છ ફુટ થઈ બાદ ૧ર, પછી ૨૦, ૫૦, ૧૦૦ તથા ૨૦૦ ફુટ સુધી લાંબી દુરબીનો થઈ. બાર તસુનો એક ફુટ થાય છે. પણ એવી લાંબી દુરબીનો લાવતાં તથા મરજી પ્રમાણે ફેરવતાં અડચણ પડવા લાગી. આખર ગોળ કામ બનાવી તેને બેસાડવા વગેરેની કલ્પના કહાડી. છેવટે [૧]*લાર્ડ રાસ નામના એક સરદારે એક લાખ વીસ હજાર રૂપીઆ ખરચીને દુરબીન બનાવી. બે મોટા નકસીદાર સાઠ ફુટ ઉંચાઈના થાંભલા બાંધીને તે બંનેની અંદર લગાવેલી છે, ને તેનું વજન ૧૨ ટન એટલે આસરે ૩૩૬ મણથી કમી નથી. તો પણ તે થાંભલા એવી યુક્તિથી ટાંગેલા છે કે, તે હરેક જગે લઈ જવાય, તથા ઉંચા નીચા કરી શકાય. તેની મુખ્ય ભાગની પહોળાઈ આઠ ફુટ કરતાં વત્તી છે ને લંબાઈ ચાળીસ ફુટની છે. માણસ છત્ર ઉધાડીને તેમાંથી પાંસરા નિકળી જાય એટલી મોટી છે.

કા૦— અમારા જ્યોતિષ પ્રમાણે ગ્રહ જોવા સારુ રેતીની નળિકા યંત્ર કરે છે; પણ તેમાંથી એક કરતાં વધારે પુછડીઆ તારા દેખાવાનું અમે કદી સાંભળ્યું નથી; અને ફરાંસીસ સાહેબ તો લાખ ને કરોડ પુછડીઆ તારા હોય છે એવી ગપ્પો મારે છે ! આવા મ્લેચ્છ લોક ઉપર, કોટવાલ સાહેબ ! આપે કદી વિશ્વાસ રાખવો નહીં. એના મનમાં આપણો સધળો ધર્મ ભ્રષ્ટ થાય, જાતિ ભેદ તૂટી જાય ને વર્ણસંકર થઈ જાય એવી ઇચ્છા છે. ઊત્તમ કોંકણની તરફ સાષ્ટી પ્રાંતમાં જુઓ, એ લોકોએ કેવો પ્રલય કરવા માંડ્યો છે. ગામનાં ગામ વટલાવીને ઈસુ ખ્રીસ્ત કે બીજો નવો દેવ ઉભો કરીને તેનું બંડ ઉઠાવ્યું છે. વાસ્તે આપને જનોઈનું અભિમાન હોય તો આપે મ્લેચ્છના બોલવા ઉપર કદી ધ્યાન આપવું નહીં.

ઘા૦— (ફ્રાંસીસ સાહેબ તરફ જોઈને) કેમ છે, આ ગોસાંવી બાવા શું કહે છે ?

ફ૦— બાવા તો કાશીકરજ (ઠગ) છે. તેનું મન સરકારને તથા આપને લુંટવાનું છે, જ્યોતિષવિદ્યાનું તેઓને જ્ઞાન નથી; પછી તેની ભાંજગડ કરવામાં ફળ નહીં.


  1. *એ દુરબીન તૈઆર થઈ તે વખત ધાશીરામ જીવતો ન હોતો; પણ આયંત્રની સધળી હકીકત સમજવા સારુ લાર્ડ રાસના દુરબીનની હકીકત લાવવાની જરૂર ૫ડી.