પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
ઘાશીરામ કોટવાલ.

હું તારી પાસેથી માગી લઉં છું. તે ઉપરથી તે બાઈ વાણીઆને ધીરજ આપી કબીર પાસે લઈ ગઈ. કબીરે તેના માથા ઉપર હાથ મૂક્યા બાદ ધંધો, વેપાર તથા ઘરબાર છોડીને વાણીઓ ભક્તિમાર્ગમાં લાગ્યો. પછી જ્ઞાનેશ્વર તથા નામદેવ કબીરની રજા લઈને નિકળ્યા. તે અનેક તીર્થ ફરીને પાછા પંઢરપુર આવ્યા, ને ત્યાં જાત્રા કરી આવ્યા તેનું ઉજમણું કર્યું. તે વખત સઘળી જાતના સંત એકઠા કરીને તેમાં પંઢરપુરના બ્રાહ્મણોને બોલાવીને, સઘળાઓએ જાતિભેદ ન રાખતાં એક પંગતે ભેાજન કર્યું.

ઘા૦— એ શી રીતે થયું? તમે નાથસંપ્રદાયવાળા કહેવાઓ છો, ને જ્ઞાનેશ્વર મહારાજને ગુરુને ઠેકાણે ગણો છે, તે છતાં જાતિભેદ કેમ વારુ?

પૈ૦— નામદેવની પંગતમાં જે લોકો બેઠા હતા, તેની તથા જ્ઞાનેશ્વર મહારાજની બરાબરી અમારાથી કદી થનાર નથી. અમારા મનનો મેલ હજીસુધી ધોવાઈ ગયો નથી.

ઘા૦— જ્ઞાનેસ્વર મહારાજની સમાધિની એક બાજુએ એક નહાની ભીંત છે; તેને જાત્રા કર્યા પછી લોકો ભેટે છે, નમસ્કાર કરે છે, તેનું માહાત્મ્ય શું છે?

પૈ૦— તેની કથા એવી છે કે, જ્ઞાનેશ્વર તથા તેનાં ભાઈ બહેન, એ ચારે જણાં પોતાના મોસાળમાં અલંદીમાં એક સમે હતાં. તે વખત તેને મળવા સારુ એક મોટા ચાંગદેવ નામના ભક્ત, વાઘ ઉપર બેસીને હાથમાં કોરડાને બદલે એક ભયંકર સાપ લઈને, વાઘને મારતા મારતા ગામમાં આવવા લાગ્યા. તે ખબર જ્ઞાનેશ્વર તથા તેનાં ભાંડુ બારણા આગળની ભીંત ઉપર બેસીને દાતણ કરતાં હતાં ત્યાં તેઓને થઈ તે વખતે તે ભીંતને ગતિ આવીને ચારે જણ સુદ્ધાં ભીત ચાલતી ચાલતી ચાંગદેવની સામે ગઈ એ અદ્ભુત ચમત્કાર જોઈને ચાંગદેવનો ગર્વ ઉતર્યો, ને ચાલી ગયેલી ભીંત ત્યાં જ અટકી ગઈ તે ભીતનો કડકો સમાધિની પાસેની ભીત પાસે રહેલો છે; માટે લોકો તે ભીતને નમે છે.

ઘા૦— જ્ઞાનેશ્વરનાં લગ્ન થયાં હતાં કે નહીં ? ને તેના વંશમાંનું કોઈ છે કે નહીં ?

પૈ૦— જ્ઞાનેશ્વર તથા તેના બે ભાઈ ને એક બહેનનાં લગ્ન મૂલથી જ થયાં નહોતાં. પરમેશ્વરની ભક્તિમાં તેએાએ જન્મારો ગાળ્યો.

જ્ઞાનેશ્વર, શાલિવાહન શક ૧૨૧૮ ના કારતક વદ ૧૦ ને દિવસે સમાધિસ્થ થયા. તેના વંશમાં કોઈ નથી; પણ તેના શિષ્યોનો વંશ આજ સુધી ચાલે છે. તેને નાથસંપ્રદાય કહે છે.