પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
ઘાશીરામ કોટવાલ.


પૈ૦— રામદાસનો જન્મ શકે ૧૫૩૦ ના વર્ષમાં ગોદાવરી તીરે જામ નામે ગામમાં થયો. તેનો બાપ સૂર્યોપંત નામનો એક તલાટી હતો. તેણે રામદાસસ્વામીનું મૂળ નામ નારાયણ રાખ્યું હતું. તે રામની ઉપાસના કરવા લાગ્યા, તેથી તે હનુમાનનો અવતાર છે એમ સમજી, લોકો તેને રામદાસ કહેવા લાગ્યા ને તેની પીઠ ઉપર પુંછડીની પેઠે ચામડી બહાર નિકળી હતી; તેણે ઘણા ચમત્કાર બતાવ્યા છે. તેમાં એક વખત નદીને કાંઠે એક સમળી પથ્થર લાગવાથી નીચે પડી મરી ગઈ, તેને રામદાસે જીવતી કરી; અને આખરે રામદાસ સતારાની પાસે પરળી કરીને પહાડી કિલ્લો છે, ત્યાં આવીને રહ્યા હતા. તેના શિષ્યના વર્ગમાં શિવાજી રાજા હતા. કપાળે હાથ લગાડી સલામ કરતી વખત “રામરામ” એવું કહેવાનો જે આજ સુધી વ્યવહાર ચાલે છે, તે રામદાસ સ્વામીથી નિકળ્યો છે. રામદાસ સ્વામી પરળીમાં શકે ૧૬૦૩ ના મહા વદ ૯ ને દિવસે સમાધિસ્થ થયા. તેના શિષ્યો ભગવાં લુગડાં પહેરે છે, ને તે જ કારણથી સતારાના મહારાજનું નિશાન ભગવા રંગના કપડાનું હતું. મહારાજ રામદાસી કહેવાય છે ને તેજ કારણથી વરળીના સ્વસ્થાનની નેમણુક ચાલે છે. રામદાસ સ્વામીની સમાધિ ઉપર ચાંદીનું પત્ર જડેલું છે; અને તે જ પ્રમાણે જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ પર પણ ચાંદીનું પત્ર છે.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૯.

રત્નાગિરી પાસે દરીઆ કિનારા ઉપર રાજાપુર નામનું બંદર છે. ત્યાં ભાગીરથી પ્રગટ થઈ, એવા પુના શહેરના કેટલાક લોકો ઉપર કાગળ આવ્યાથી ઘણાક ભાવિક લોકો ગંગા દશન કરવા ગયા; ને દરરોજ બીજા નવા નવા લેાક જાય છે, એવી ખખર ઘાશીરામને થવાથી, તે વિષેની વાતચિત તેને ઘેર બ્રાહ્મણો આવતા હતા, તેની સાથે ચાલતી હતી. તે પ્રમાણે એક દિવસે રુદ્રાપાવાણી રાજાપુરકર તથા મહમદઅલી મુનશી વગેરે મંડળી બેઠી હતી તે સમયે વાતચિત થઈ તે:–

ઘા૦— અરે રુદ્રાપાનાયક ! તમારા જોવામાં રાજાપુરની ગંગા આવી છે ?

રુ૦— હા મહારાજ; મેં ઘણી વખતે તે જોયલી છે. તેનો ચમત્કાર અદ્દભુત છે. એક ડુંગરના તળિયા આગળ ગાયનું મુખ છે, તેમાંથી એ ગંગા અકસ્માત ભર ઉનાળામાં વહ્યા કરે છે કોઈ અભડાયલો કે મોટો પાતકી દર્શન કરવા આવ્યો, કે તે જ વખત પાણી વહેતું બંધ થઈ જાય છે.