પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
ઘાશીરામ કોટવાલ.


મુ૦— એમાં કાંઈ ચમત્કાર નથી. કોટવાલ સાહેબ ! બાળકૃષ્ણ તથા વાસુદેવની કારીગર લોકોએ બનાવેલી મૂર્તિઓ આપના જોવામાં આવી જ હશે, તેમાં વાસુદેવની મૂર્તિ પ્યાલામાં ઉભી કરી છે, ને કૃષ્ણની મૂર્તિ તે વાસુદેવના માથા ઉપર મૂકેલી છે. તે પ્યાલાને તળિયે એક છિદ્ર છે; ને વાસુદેવના માથા ઉપર બાળકૃષ્ણને એક પગ થોડોક નીચે ઝુલતો છે; ને તે પગનો અંગુઠો વાસુદેવના મોહોડાની બરાબર ઉંચાઈમાં આવેલો છે. પ્યાલામાં પાણી ઘાલીએ, અને તે પાણી વાસુદેવના મોહો સૂધી ચહડે, એટલે પ્યાલામાંનું સઘળું પાણી છિદ્રમાંથી બહાર નીકળી જઈને પ્યાલો કોરો થાય છે. તે પ્રમાણે ડુંગરમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયલો રાજાપુરની ગંગાનો યંત્ર છે.

રુ— વ્યંત્ર તંત્ર વિષે તમારા મુસલમાનનું બોલવું અમને સાચું લાગતું નથી. હજારો લોકે તે ગંગા જોયલી છે. તેના જોવામાં કદી યંત્ર આવ્યો નથી, ત્યારે મુનશીની જોયલી વાત હસવાની કે રડવાની છે?

ઘા— બાળકૃષ્ણ તથા વાસુદેવની મૂર્તિ સઘળા કારીગરોને હાથે તૈઆર થાય છે, એમ નથી. એક કંસારાને કોઈ મહાપુરુષે પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે, તેના હાથથી તેવી મૂર્તિઓ થાય છે; અથવા તેનો જે કોઈ શાગીર્દ થયો હોય છે, તે માત્ર તૈઆર કરે છે, તે મૂર્તિનો ચમત્કાર કૃષ્ણના જન્મ વખતે યમુનામાં થયલા ચમત્કાર જેવો છે.

મુ૦— (જરા હસીને )કોટવાલ સાહેબ ! એ સઘળો ઢોંગ છે. જો મને થોડું મીણ લાવી આપો તે હમણા જ તે યંત્ર કરી બતાવું. આ પ્રમાણે તકરાર થવા ઉપરથી, કોટવાલે એક મીણનો ગોળો મંગાવીને મહમદઅલી મુન્શીને આપ્યો. તે લઈને તેની એક નળી મુનશીએ બનાવી; ને તે નળીને લાંબી કરીને ચીનાઈ માટીના વાસણમાં મૂકી. આ પ્રમાણે તૈયાર કરીને મુનશીએ પ્યાલામાં પાણી રેડ્યું.

મુ૦— આ મીણની નળી મેં કીધી છે, તે પ્રમાણે ધાતુની નળી વાસુદેવના પેટમાં હશે. તે કારણથી પાણી પ્યાલામાંથી બહાર નીકળી જાય છે.

રુ— પ્યાલાનો મજકુર તમે બરાબર મેળવી આપ્યો; હવે તે વિષે કાંઈ અમારે બોલવાનું રહ્યું નથી; પણ તેને ને રાજાપુરની ગંગાને શું સબંધ છે ?

ઘા— વાહવા ! વાહવા ! આપે ખુબ પેચ કહાડ્યો છે ! અમે સમજતા હતા કે, ઘરડાં માણસને સભામાં બેાલવાનું કાંઈ જ જ્ઞાન નથી; પણ આજે તેની બરાબર પરીક્ષા થઈ.