પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણ દો ષ : ૮૯
 


સહકાર્યના સિદ્ધાંત વડે અમુક અંશે શક્ય બન્યું છે. આજ પણ ઇટાલીમાં ફાશીઝમ અને રશિયામાં બોલ્શેવિઝમ સહકારી પદ્ધતિનો ઉપયોગ કરે છે એમાં સહકાર્યના સિદ્ધાંતોનો વિજય ન ગણીએ તો પણ તેના ઉપયોગની શક્યતાનું દર્શન આપણને થાય છે.

અંગ્રેજોના સ્પર્શનું
પરિણામ.

આ સહકાર્ય—પારિભાષિક અર્થમાં વપરાતો સહકાર્ય–પશ્ચિમની પ્રજા અને પશ્ચિમના સિદ્ધાંતોની માફક વહાણે ચઢી આપણા હિન્દમાં આવ્યો. યંત્રે જેમ મધ્યકાળના યુરોપને ફેરવી નાખ્યું, તેમ યંત્રોથી પણ વધારે બળીઆ અંગ્રેજોએ હિન્દને પણ અજબ પરિવર્તન કરાવ્યું. રાજનીતિના પ્રશ્નને આપણે અડકીશું નહિ; રાજનીતિના સીધા આર્થિક પરિણામનો આપણે વિચાર કરીશું નહિ. છતાં અંગ્રેજ સરકારને વફાદાર રહીને પણ આપણે એટલું તો જોઈ અને કહી શકીશું કે પશ્ચિમનો રંગબેરંગી માલ આપણે ત્યાં આવ્યો, અને આપણા ગ્રામઉદ્યોગો નષ્ટ થયા; યંત્રે સોંઘવારી દેખાડી અને આપણા લાખો હિંદવાસીઓ ધંધા વગરના થયા; ભણેલાઓએ ગામડાં છોડ્યાં અને ગામડામાં વાપરવાની બુદ્ધિ કારકૂની અને સાહેબગીરીમાં તેમણે વાપરવી શરૂ કરી; ખેતી નિષ્ણાતોના હાથમાં રહી શકી નહિ; જમીનના એક પાસ ટુકડા થતા ચાલ્યા, એટલે જમીનમાં થતી મહેનત નિરર્થક નીવડી; બીજી પાસથી શાહુકારો, ખટપટીઆઓ અને જમીનદારોએ મળી મોટી જમીન ખેડૂતો પાસેથી એક અગર બીજે માર્ગે લઇ લીધી અને જમીનને મહેનતનું નહિ–ઉત્પાદનનું નહિ–પણ નફાનું સાધન બનાવ્યું. જમીનમહેસૂલની નાણાના રૂપમાં ચોકસાઈ થઈ, એટલે રૂપિયાનું બળ વધ્યું. મૂડીદારો ખાતેદાર બનતા ગયા, અને જમીનને ફળદ્રુપ બનાવતો ખેડૂત મજૂર બની ગયો. જગતવ્યાપારના હેલકારા હિંદને પણ વાગ્યા અને આર્થિક ચઢતીપડતીમાં હિંદ જગતનો એક ભાગ–લાભદાયક ભાગ બની ગયું.