પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


તેનું ધ્યેય બની ગયું હતું. શાહુકારો ખેડૂતોને ફોલી ખાય છે એવી માન્યતા ઉપર બધો કાર્યક્રમ ગોઠવાયો હતો. પરંતુ ધીમે ધીમે સહુના ધ્યાન ઉપર આવતું ગયું કે એકલા શાહુકારો જ નહિ પરંતુ આખી જનતા ખેડૂતને ફોલી ખાય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો અભ્યાસ હિંદની પરિસ્થિતિને અનુકૂળ થાય એવી રીતે થવા લાગ્યો. ઉત્પાદન, વહેંચણી અને ભોક્તૃત્વ Production, Distribution and Consumption–એમાં શ્રમફળની વહેંચણી થઇ શકે એનો ખ્યાલ આવતાં એ દરેક ભૂમિકાને સહકાર્યના સિદ્ધાંત અનુસાર ખીલવી શકાય એવી ભાવના જાગૃત થઇ; ખેડૂતનું અજ્ઞાન અને ખેડૂતના જૂનવાણી સંસ્કાર સહકાર્યના સિદ્ધાંતનો અમલ કરવામાં વિઘ્નરૂપ છે એમ લાગ્યું, અને સહકાર્યે માત્ર આર્થિક પ્રવૃત્તિ મટી, સામાજિક–નૈતિક ઉન્નતિના કાર્યક્રમમાં પ્રવેશ કરવા માંડ્યો. એમાં કરકસરની ટેવ પાડવી જોઇએ, પ્રમાણિકપણું કેળવવું જોઇએ, મોટાઈનો ઘમંડ છોડવો જોઇએ, અંગત મત અને અંગત લાભ મંડળીને ખાતર જતા કરવા જોઈએ, પરસ્પર મળી ધંધો કરવાથી સંઘબળ કેળવી લાભ મેળવવા જોઇએ–અને સંઘબળથી પોતાનું હિત સારામાં સારી રીતે જાળવી શકાય છે એમ સમજવું જોઈએ, રીતરિવાજના ગુલામ ન બનવું જોઇએ, ખોટા વહેમ દૂર કરવા જોઇએ અને દેખાદેખી ખર્ચ કરવાની આદતમાંથી આપણે મુક્તિ મેળવવી જોઈએ, એવા એવા વ્યવહારુ છતાં નૈતિક કે સુધારક વિચારોએ સહકાર્યમાં પ્રવેશ કર્યો.

આમ માત્ર ધીરાણથી આગળ વધી સહકાર્યની પ્રવૃત્તિએ વ્યાપારનાં અંગઉપાંગ સ્વીકાર્યાં અને વહીવટનું એક વિશાળ તંત્ર ઊભું કર્યું. મંડળીઓને સંયુક્ત કરતા સંઘો અને ધીરાણ કરતી શરાફી પેઢીઓ સ્થાપન કરવામાં આવી. ધીરાણ ઉપરાંત ખેતીસુધારણા, પાકનું વેચાણ, યંત્ર બળની ખેતી વગેરે સહકાર્યમાં સમાયાં,