પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : ગ્રા મો ન્ન તિ
 

 તેમનામાં શક્તિ નથી, તેઓ જડ છે, જીવનરહિત છે, સાહસરહિત છે, અપ્રમાણિક છે, શઠ છે, ખટપટિયા છે, નગર કે ગ્રામાભિમાનથી વંચિત છે એ બધી ગાળો ખુશીથી આપણે આપણા દેશબંધુઓને દઈ શકીએ. એ માત્ર ગાળો નથી. એમાં સત્ય છે, એ હું કહેવા લાગીશ. પરંતુ એક ડગલું આગળ વધી આપણે વિચારવું ઘટે કે એ બધું છે માટે તો હિંદ પરતંત્ર છે, પાયમાલ છે, પરાવલંબી છે; માટે જ આપણી રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ આપણે શરૂ કરી છે; માટે જ આપણા સરખા વાચાળ અને સમજદાર મનુષ્યોને અજ્ઞાન પ્રજા બોલવા દે છે, અને આગળ પડવા દે છે; દેશ પછાત છે માટે તો પ્રગતિ વાંછીએ છીએ. પ્રગતિનો ધ્વજ લઈ ધસતી વખતે સાબરની માફક પગની કુરૂપતા વખોડવામાં કશો અર્થ નથી. આપણાં શિંગડાં તો સુંદર છે જ, દલીલોની પટાબાજીમાં–બુદ્ધિના ઢગલાઓ ઉછાળવામાં તે અવશ્ય કામનાં છે. પરંતુ આપણે ઊભા થવું હોય, ચાલવું હોય, દોડવું હોય, કે ધસવું હોય તો પગને વેગળા મૂકાશે નહિ. બુદ્ધિનો ઇજારો લઈ ફરતા હિંદના નાનકડા મગજે સમજવું જોઈએ કે આપણા દેશ – શરીરમાં એંશી ટકા જેટલો ભાગ તો પગે રોક્યો છે. એ પગને ચેતનવાન – પ્રાણવાન બનાવવા હોય તો પગને ગાળો દીધે વળવાનું નથી. ભાવિના ન્યાયાસન સમક્ષ ન્યાય તોળાશે ત્યારે પૂછાશે કે હિંદની બુદ્ધિએ હિંદના હાડપિંજરને કેટલું જીવંત બનાવ્યું ! તે વખતે બુદ્ધિથી એમ દલીલ નહિ થાય કે મેં હાડપિંજરને મનભરી ગાળો દીધી છે !

આથી વધારે પ્રશ્નો પૂછવાની જરૂર નથી. માત્ર ટીકાના રૂપમાં આ પ્રશ્નો પૂછાયા નથી. એ પ્રશ્નોના ઉત્તર લાભમાં મળે એવા હોય તો તે જરૂર આપવા, અને એક ઉમદા પ્રવૃત્તિનો પ્રચાર કરવામાં સહુએ કમર કસવી. એના ઉત્તર લાભમાં આવે એવા ન હોય તો