પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮ : ગ્રા મો ન્ન તિ
 


વાનોને બંગલે બેસે છે અને ઘડીકમાં ઝૂંપડીના ઝાંપા ઠોકે છે. માનવજીવનના મૂળભૂત વ્યવહારમાં ભારે ફેરફાર કરવાની તેનામાં શક્તિ નથી એમ આપણે સ્વીકારીએ તો સહકાર્યની હોડી ઓછી ડામાડૉળ ન બને ? પદ્ધતિને ધર્મ માનવા મનાવવાની ભૂલ કરી આપણે આપણને પોતાને તો છેતરતા નથી ? આખા જીવનને સ્પર્શતો સહકાર જોઇએ તો સહકારે માત્ર–વાણિજ્ય મટી જવું પડશે.

સહકાર એ જીવનમંત્ર

આ તો technical પારિભાષિક અર્થમાં વપરાતા સહકાર્યની બધી વાત થઈ. બાકી સહકાર એ તો ખુલ્લો જીવનમંત્ર છે; સમાજના પાયામાં જ તે રહે છે. એ જગત–ધર્મ છે, માનવતાનો એ શાશ્વત સિદ્ધાન્ત છે. એ સહકાર વગર ઉદ્ધાર નથી જ, રાજકીય વિષયમાં તે આંતરરાષ્ટ્રિય International ભૂમિકા ઉપર જગતને લાવવા મથે છે; સામાજિક વ્યવહારમાં તે મોટા નાનાના ભેદ ટાળી સમત્વની કક્ષા ઉપર જગતને મૂકવા મહેનત કરે છે. નૈતિક–Humanitarian વૃત્તિ દ્વારા તે વિશ્વબંધુત્વ સિદ્ધ કરવાના પ્રયત્નો કરે છે. સહકારનું પરિણામ સર્વોદ્ધાર. સર્વના ઉદ્ધારમાં સર્વનો સ્વાર્થ પણ સમાયલો છે. સહકાર્યની પ્રવૃત્તિ આવા સહકારને સિદ્ધ કરવામાં સહાયભૂત થાય એવાં સ્વપ્ન પણ સહકાર્યના ચિંતકોએ સેવેલાં છે. એ સ્વપ્ન સિદ્ધ થાઓ એવી શુભેચ્છા સહુ સેવે. કારણ સહકાર્યની ટીકા કરવા છતાં સહકાર્યમાં રહેલી અનેક પ્રકારની શક્તિ જોઈ શકાય છે. આપણા હિંદને સહકારી પદ્ધતિએ અમુક અંશે કામ લીધા વગર ચાલે એમ નથી. પદ્ધતિ તરીકે સહકાર્યને વિશિષ્ટ સ્થાન છે. અને સહકાર પ્રવૃત્તિના અને સર્વોદયના સ્વપ્નમાં બહુ ફેર દેખાતો નથી. આપણાં ધ્યેય ઉન્નત હોય, મળતાં હોય તો પછી વિગતો માટે ભારે ઝગડા આવશ્યક નથી. એટલે સહકાર્ય પ્રવૃત્તિને સફળતા ઈચ્છતાં મને જરા ય સંકોચ થતો નથી.