પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન યોજના : ૧૦૧
 


વિચાર હતો, એવું અનુમાન કરવાને કારણો નથી. એનો પ્રાથમિક ઉદ્દેશ કરકસર, સ્વાશ્રય અને પરસ્પર—સહાયના સિદ્ધાંત ઉપર ગ્રામ–ધીરધારની યોજના કરવાનો જ હતો. મૂડીમાં પ્રથમ તો શાખને જ મહત્ત્વ આપવામાં આવતું અને દસ માણસો ભેગા થઈ બંધારણવાળી મંડળી નોંધાવે એટલે એકબીજાની શાખ ઉપર ખેતી ઉપયોગી કાર્યો અને જરૂરિયાતો માટે સરકારમાંથી નાણાં મળે એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી.

પરંતુ સરકારથી શાહુકાર થવાય નહિ, એવી માન્યતાને લીધે મંડળીઓને સહાય આપવા માટે ખેતીવાડી પેઢી અગર શાહુકારી સહકારી પેઢીની રચના ભાગ–ભંડોળથી કરવામાં આવી અને તેને સરકારે ઘણો આર્થિક ટેકો આપ્યો. આમ ગામડાંની આર્થિક વ્યવસ્થાને સુઘટિત બનાવવા સહકારી સિદ્ધાંત ઉપર શરાફી પેઢીઓ પણ ઊભી થઈ.

ધીરધારથી આગળ
વિકાસ

ધીમે ધીમે સહકાર્યના સિદ્ધાંતનો માત્ર ધીરધારમાં જ નહિ પરંતુ જીવનની અનેક આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સફળતાથી ઉપયોગ થઈ શકે છે એમ દેખાવા લાગ્યું. દસ માણસો ભેગાં થઈ પોતાની શાખ ઉપર એક બીજાની ધીરધાર પ્રવાહી બનાવી શકે તો એ જ રીતે દસ માણસો ભેગાં થઈ પોતાનો માલ પણ ઉત્પન્ન કરી શકે. એ જ પ્રમાણે ઉત્પન્ન કરેલો માલ દસ માણસો ભેગા થઈને વેચી શકે. એટલું જ નહિ પણ દસ માણસો જરૂરિયાતનાં સાધનો ભેગા મળી મંગાવી શકે. સહકાર્યની ભાવના એથી વધારે ખીલે તો એ દસે માણસોને પોતપોતાનાં વ્યક્તિગત સાધનો જુદાં જુદાં વસાવવાને બદલે મઝીયારાં વસાવવા પણ વિચાર થાય. બે ખેડૂત વચ્ચે એક હળે ચાલી શકતું હોય અને એકબીજાની સગવડ સાચવી શકાય