પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : ગ્રા મો ન્ન તિ
 


એટલી સમજ ખેડૂતોમાં ખીલી હોય, તો બે વચ્ચે એક હળ લાવી એક હળનું મિથ્યા ખર્ચ બચાવી શકાય. એટલે સહકાર્ય માત્ર ધીરાણ મટી ખરીદી, વેચાણ, અને ઉત્પાદનના વ્યહવારોમાં પણ ઉપયોગી થઈ પડ્યું. દસ માણસો ભેગા થાય અને વ્યહવાર કરે તેમાં સંગઠનનું બળ આવે છે, જે એકલ માણસના કરતાં ખરેખર વધારે જ હોય. દસ માણસને સ્થાને પચીસ પચાસ કે સો માણસે વધે તો તેટલું સંગઠનનું બળ પણ વધારે વધે, ખરીદી અને વેચાણ મોટા પાયા ઉપર થઈ શકે અને વ્યહવાર તથા શાખ પણ વિસ્તૃત બની શકે.

નગર સહકાર–Urban
Cooperation

સહકાર ગ્રામજનતાને જ ઉપયોગી છે, અને તે પણ ધીરાણના જ વ્યહવારમાં એવી જૂની માન્યતા બદલાઈ વિકાસ પામી અને જેમ ધીરાણ ઉપરાંત અન્ય વ્યવહારમાં તેનો ઉપયોગ કરવાની શક્યતા દેખાઈ તેમ તે ગ્રામવિભાગની બહાર જઈ નગરવિભાગને પણ ઉપયોગી છે એમ સમજાવા લાગ્યું. હવે સહકાર સર્વોપયોગી વ્યહવાર તરીકે ગણાવા લાગ્યો છે.

ચારિત્ર્યની જરૂર

આપણી પરાધીનતા, આપણો સ્વાર્થ, આપણી ચારિત્ર્યહીનતા, આપણી અકસ્માત આફતો અને આપણી અણઆવડત ગ્રામ તેમ જ નગરસહકારમાં અનેક વિટંબણાઓ ઊભી કરે છે અને સહકાર્યના પાયા ડગમગી જાય એવી નિષ્ફળતાઓ પણ ઉપજાવે છે. એમાં સહકાર્ય કરતાં આપણી અણસમજ વધારે દોષપાત્ર છે. એટલે આપણે તો માત્ર ગ્રામજીવનમાં તેનો બહુ સારો ઉપયોગ થઈ શકે એમ છે એટલું જ અત્રેને કહીશું. સહકાર્યો દ્વારા સંગઠન થાય છે, ચારિત્ર્ય ખીલે છે, વ્યહવાર વિશુદ્ધ થાય છે, દક્ષતા આવે છે, અને અરસપરસ મદદરૂપ થઈ પડવાની લાગણી પણ આપણામાં ખીલી નીકળે છે.