પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન યોજના : ૧૦૩
 


ઉદ્દેશ

સહકારી મંડળીઓએ ધોરાણ, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ જેવો એક જ ઉદ્દેશ રાખવો કે એ સર્વનો સમાવેશ થાય એમ વધારે ઉદ્દેશ રાખવા એ સંબંધમાં નિષ્ણાતો જુદા જુદા મત સેવે છે. ધીરધાર કરનારી મંડળી એકલું ધીરધારનું કામ કરીને બેસી રહે એના કરતાં ધીરધાર ઉપરાંત જરૂરી વસ્તુઓની ભેગી ખરીદી કરે, ઉપજેલો માલ ભેગા મળી વેચે, અને વધારે જથ્થાની વેચાણખરીદીમાંથી સહજ મળતા લાભને મેળવી લે તો તેમાં કાંઈ ખોટું નથી એવી એક માન્યતા છે. સામો મત એવો છે કે ખરીદી, વેચાણ અને ધીરધાર એ ત્રણે આર્થિક વ્યહવારો એવા પ્રકારની વ્યવસ્થા માગે છે કે જેમાં જુદા જુદા વ્યવહારની ગૂંચવણ ઊભી કરવી એ બધા જ ઉદ્દેશોને નિષ્ફળ બનાવવા સરખું છે.

સિદ્ધાંતોના ઝઘડાની બહુ જરૂર નથી. વ્યવહાર અતિ વિસ્તૃત થાય ત્યારે જુદાં જુદાં વ્યવસ્થાચક્રો માગે એ સ્વાભાવિક છે, અને વિકાસની એ ભૂમિકામાં વ્યવસ્થાની ખીચડો ન કરવો એ પણ જરૂરી છે. છતાં ગ્રામજીવનના આપણા નાનકડા વ્યહવારોમાં એટલી બધી ગૂંચવણ હજુ ઊભી થઈ નથી કે જેથી દરેક ઉદ્દેશને માટે જુદી જુદી મંડળીઓ કાઢી શકાય. એ વિચારથી માત્ર ધીરધાર કરનારી મંડળીઓમાં અન્ય સેવાઓ ઊમેરી શકાય એવી પણ યોજના રાખી શકાય એમ છે. આવી મંડળીઓને સાધનમંડળી એ નામે હવે ઓળખવામાં આવે છે.

વહીવટ

મંડળીઓની સંખ્યા વધે એટલે તેમનાં જૂથ પાડી એકાદ સંઘની સાથે જોડી દઈ તેમના સામાન્ય પ્રશ્નો વિચારવા, હિસાબની તપાસણી કરવી, અને સભ્યોની દોરવણી કરવી એ પણ સહકાર્યનો મહત્ત્વનો કૉ’યડો છે.