પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪ : ગ્રા મો ન્ન તિ
 


કેળવણી

વળી આર્થિક ઉન્નતિનો મોટામાં મોટો શત્રુ અજ્ઞાન છે એ માન્યતાને આધારે મંડળીના સભ્યોમાં કેળવણી અને ખાસ કરીને સહકાર્યના સિદ્ધાંતોની કેળવણી આપવી બહુ જ જરૂરી છે એમ કાર્યકર્ત્તાઓ માને છે. તેને અંગે મોટા સંઘ સ્થાપી, માસિકો, પત્રિકાઓ, સામાયિકો કાઢી પ્રદર્શનો અને પરિષદો ભરી સહકાર્યનું જ્ઞાન ફેલાવવું એ પણ આજની સહકારી પદ્ધતિનું મહત્ત્વનું તત્ત્વ થઈ પડેલું છે. પ્રજા સહકાર્યના ધોરણે કાર્યો કરે, અને રાજ્ય દેખરેખ અને દોરવણી રાખે એવો સિદ્ધાંત સ્વીકારાઈ ચૂકયો છે.

મૂડીવાદ ઉપર અંકુશ

આમ સહકાર્ય એક વિસ્તૃત આર્થિક ઘટના બનવાની અભિલાષા સેવે છે. એ અભિલાષા હજી સંપૂર્ણ ફળીભૂત થઈ નથી. છતાં તેમાં અનેક શક્યતાઓ રહેલી છે, અને ગ્રામોન્નતિમાં ધીરધાર ઉપરાંત વેચાણ, ખરીદી અને ઉત્પાદનનાં કાર્યોમાં પણ પ્રબળ વેગ આપી શકે એમ છે એ જાણી લેવાની ખૂબ જરૂર છે.

એના મૂળભૂત સિદ્ધાંતો પ્રચલિત બન્યા છે અને એનો કાર્યક્રમ નિયમબદ્ધ ઘડાય છે. મંડળીઓની વ્યવસ્થા મતાધિકારના ધોરણે ચાલે, ચર્ચાને તેમાં અવકાશ હોય અને તેના વહીવટમાં નિયમાનુસાર કશી બાહ્ય દખલ ન થાય એવું સ્વતંત્ર બંધારણ પણ તેનું ઘડવામાં આવ્યું છે. Planning under capitalism–મૂડીવાદના ચોકઠામાં વ્યવસ્થિત વ્યવહાર અને નફાખોરીનો વિરોધ યોજવાની સેવા તેણે બજાવી છે. નફાનું નિયંત્રણ કોઈપણ મૂડીવાદી યોજનાએ કર્યું હોય તો તે સહકારે જ. સહકારમાં રહેલાં પ્રજાકીય બંધારણ અને યોજનાબદ્ધ આર્થિક વ્યવહારનાં તત્ત્વો તેને વિશિષ્ટતા અર્પે છે, એટલું જ નહિ પણ મૂડીવાદ સિવાયના સમાજ, સામ્ય કે અન્ય વાદમાં પણ તેનો બહુ સારો ઉપયોગ થઈ શકે એમ છે એ તો નોંધ્યા વગર ચાલે એમ નથી.