પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન યોજના : ૧૦૫
 


સહકારના વ્યવહારનો ન્યાય પણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. સમાધાનનું તત્ત્વ સદા સ્વીકારાય છે અને ખર્ચાળ ન્યાય પદ્ધતિને બદલે જૂજ ખર્ચે સહકારી ખાતા મારફત ન્યાય મળે એવી પણ યોજના રાખવામાં આવી છે.

વિશિષ્ટ સમાજ-
રચના

મંડળીઓની વ્યવસ્થા સર્વદા સંતોષકારક હોતી નથી. ધંધાનું શિક્ષણ એ કપરો વિષય બને છે. અને અનેક કારણોને લઇને મંડળીઓ કાં તો પુષ્ટ અને બળવાન રહેતી નથી, તેમાં મંદતા પ્રવેશે છે અને ઘણી વાર ગાઢ નિદ્રામાં પડી એ મંડળીઓ અસ્તિત્વને લાયક પણ રહેતી નથી.

મંદતાને વેગ આપી શકાય. પરંતુ જીર્ણોદ્ધાર માટે અશક્ય બનેલી મંડળીઓને બંધ કરવાથી જ લાભ થાય છે. એટલે એ મંડળીઓને ફડચામાં લઈ જઈ તેમના સભ્યોના અને મંડળીઓના દેવા લહેણાનો નિકાલ કરવાની પણ ઇલાયદા વ્યવસ્થા રાખવામાં આવે છે. એટલે આખો સહકાર દ્વારા થતો વ્યવહાર સારી અને ખરાબ સ્થિતિમાં પણ વિશિષ્ટ વ્યવસ્થા અને વિશિષ્ટ વહીવટ માગી લે છે, અને આમ સર્વ વાતે એક વિશિષ્ટ સમાજરચનાનાં તત્ત્વો ઘડતો હોય એમ લાગે છે. ખેડૂતનું અજ્ઞાન અગર તેની રહેણી તેની આર્થિક ઉન્નતિમાં આડે ન આવે એ ઉદ્દેશથી નિયંત્રિત ધીરાણ–Controlled creditની પણ એક વ્યવસ્થા પ્રચારમાં આવતી જાય છે.

સહકારની શાસ્ત્રીય ચર્ચા કરવાનું આ સ્થળ નથી. વળી નગરસહકાર (Urban co–operation) નો પ્રશ્ન પણ આ સ્થળે ચર્ચવાની જરૂર નથી. સામાન્ય સમજ અર્થે સહકારનાં જુદાં જુદાં અંગોનું કરેલું વિવેચન નીચેના કોષ્ટકથી સમજાઈ જશે. નગરસહકારના પણ ગ્રામસહકાર સરખા જ વિભાગો પડી શકે એમ છે. અને તેમાં પણ ધીરાણ, દેખરેખ, અને કેળવણીનાં તત્ત્વો જરૂરી છે.