પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે મત : ૧૦૯
 

 અને સંગીતના જલસાઓની મોજ માણી શકશે એ ખ્યાલ હિંદના ગામડિયાને જરૂર ગમે. પરંતુ એ ખ્યાલને માટે તેનો આજનો ભૂખમરો ચાલુ રાખવા ભાગ્યે જ ગામડિઓ તૈયાર થાય. એને આજે જ રોટલો જોઇએ.

તાત્કાલિક અર્થશાસ્ત્ર

એટલે આપણે સ્વીકારી લઈશું કે ગ્રામઉદ્યોગની ખીલવણી એ આજનો જ બહુ મહત્વનો પ્રશ્ન છે. એ ગ્રામઉદ્યોગની ખીલવણી કરવાથી આપણે રાષ્ટ્રિય ઉદ્યોગો અગર સામ્યવાદી ઉદ્યોગ વિકાસની ખીલવણીમાં જરા પણ અંતરાય નાખતા નથી. એ કક્ષા જ્યારે આવશે ત્યારે ગ્રામઉદ્યોગ આપોઆપ ખરી પડશે. પરંતુ અત્યારની અંધાધૂંધીમય, યોજનારહિત ઔદ્યોગિક પરિસ્થિતિમાં ગામડાંને ઉદ્યોગ વિનાનાં થતાં અટકાવી તેમને અમુક અંશે સ્વાશ્રયી અને અમુક અંશે સ્વાધીન રહેવા દેવાં એ જ આજનું આપણું અર્થશાસ્ત્ર આપણને શીખવે છે. એથી છિન્નભિન્ન બની જતાં ગામડાંમાં કંઈક યોજના આવશે, નિષ્ફળતાથી ટેવાઈ ગયેલા ગામડિયાઓમાં આત્મવિશ્વાસ જાગ્રત થશે અને વધતી જતી ગરીબીમાં ગામડિયાઓને આછો આછો પણ આર્થિક ટેકો મળશે. ગામડાને નક્કર જીવતું રાખવું એ આજ નોકરશાહીનો તેમ જ દેશસેવકોનો ધર્મ થઈ પડે છે. આનો કમાનારને દોઢ આનો એ દોઢી ઉપજ લાગે.

બદલાયલી પરિસ્થિતિ

ગ્રામઉદ્યોગનો પ્રશ્ન ઘણો ગૂંચવાઈ ગયેલો છે એ વાત ખરી. પરંતુ એનો અર્થ એમ નથી કે એ પ્રશ્ન તદ્દન અશક્ય બની ગયો છે. દેશની પરિસ્થિતિ બદલાય તે સાથે ગામડાની પણ પરિસ્થિતિ સ્વાભાવિક રીતે બદલાય છે. અવરજવરનાં સાધનો ઓછાં હતાં ત્યારે ગામડાંમાં ઉપજતો માલ ઘણે અંશે ગામડાંમાં જ રહેતો અને ગામડાંના ઉદ્યોગો