પૃષ્ઠ:Gramonnati.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : ગ્રા મો ન્ન તિ
 

 ગ્રામજીવનને પુષ્ટિ આપતા હતા. પરંતુ રેલ્વે, સ્ટીમર અને મોટરે એ સ્થિતિ બહુ બદલી નાખી છે, અને ગામડાંને અનેક સારી માઠી અસરોનું ગ્રાહક બનાવ્યું છે. એટલે આજના ગ્રામઉદ્યોગોએ પણ જૂની ઘરેડમાંથી બહાર નીકળવું પડશે. ગ્રામઉદ્યોગો માટે યાંત્રિક બળની કોઈ વાત કરે, તેલનાં યંત્રોનો ઉપયોગ સૂચવે અગર વીજળી વાપરવા સલાહ આપે તો તેને આજનું ગામડું હસી શકે એમ નથી. સુધરેલી ઢબનું હળ વાપરવાનો પ્રસંગ આવે અગર બળદગાડાને ન્યુમેટીક ટાયર–રબરનાં પૈડાં નાખવાનું કહેવામાં આવે તો તે વાતને તિરસ્કારવી એ હવે ફાવે એમ નથી. નવી વાતોથી ગામડું ભલે ચમકે; પરંતુ એ ચમક સાથે ગામડાએ નવી વાતો સમજવાનો અને નવી વાતોનો પરિચય કેળવવાનો સ્વભાવ રાખવો પડશે. નાના ઉદ્યોગો–ગ્રામઉદ્યોગો–ગૃહઉદ્યોગો હજી દુનિયાના સુધરેલા દેશમાં–ખાસ કરી જાપાનમાં–જીવતા જાગતા છે. એટલે હિંદુસ્તાને પણ તે વાત સમજવી પડશે. હાલના રાજકીય અને આર્થિક સંજોગોનો વિચાર કરતાં કોઈ એમ કહેવાને લલચાય કે હિંદુસ્તાન મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગો-ગ્રામઉદ્યોગોને સારી રીતે ખીલવવાની ભૂમિકામાં છે તો એ કથન કાઢી નાખવા સરખું નથી.

ગ્રામઉદ્યોગ–તાત્કા-
લિન આર્થિક
કાર્યક્રમ

ગ્રામઉદ્યોગ વિરુદ્ધ એક દલીલ કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ગ્રામઉદ્યોગથી ગામડાની સંપત્તિમાં પૂરતો વધારો થાય એમ નથી. જુની કહેવત છે કે ‘આંગળી ચાટે પેટ ન ભરાય.’ ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાર એ કહેવતના દૃષ્ટાંતરૂપ છે. આ દલીલ કંઈક અંશે ખરી છે. ગ્રામઉદ્યોગની પુનર્ઘટનાથી ગામડિયાઓ લક્ષાધિપતિ થાય એ બનવું અશક્ય છે. પરંતુ લક્ષાધિપતિ થવાની યોજના હાથ ન લાગે ત્યાં સુધી