પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યં ત્ર વા દ : ૧૧૫
 


દેશોમાં પહોંચી ગયા છે એવો ઇતિહાસ તો આજ પણ આપણે વાંચી શકીએ એમ છે. સુમાત્રા, જાવા, બોર્નીઓ , હિંદીચીન, સિઆમ વગેરે દેશોમાં હિંદુ રાજ્યો સૈકાં સુધી હતાં. ઉપરાંત ચીન અને જાપાનમાં ફેલાયલો બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનની પરદેશગમનની પ્રવૃત્તિનો બહુ સચોટ ખ્યાલ આપે છે.

સંસ્કારસંબંધ

નિત્યની અવરજવર વગર એક દેશના સંસ્કાર બીજા દેશમાં જાય નહિ અને કદાચ જાય તો એ સંસ્કાર સ્થિરપ્રાય બની રહે નહિ. આ અવરજવરની શરૂઆત વ્યાપારને અવલંબીને થાય છે; વ્યાપારમાંથી રાજસત્તા અગર રાજ સંબંધ બંધાય છે; અને આવા વ્યાપારસંબંધ અને રાજસંબંધને અંગે જ સંસ્કારસંબંધ અને ધર્મસંબંધ બંધાય છે અને ફેલાય છે. ચીન, જાપાન સુધી પહોંચેલા બૌદ્ધધર્મ અને જાવા સુમાત્રા સુધી પ્રસરેલા હિંદુ ધર્મની પાછળ વ્યાપાર ઉદ્યોગનો એક ભવ્ય ઇતિહાસ છૂપો પડેલો છે.

વહાણ બનાવટ

આ અવરજવરને શક્ય બનાવતું વહાણવટું હિંદનો બહુ મોટો ઉદ્યોગ હોવો જોઇએ. હિંદના વહાણવટાનો ઇતિહાસ છેક ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના આગમન સુધી પ્રયત્ન કર્યે વાંચી શકાય એમ છે. ફીરંગીઓનાં, અંગ્રેજોનાં અને ખાસ કરીને ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનાં અનેક વહાણો સત્તર, અરાઢ અને ઓગણીસમી સદીમાં ગુજરાતને દરિયા કિનારે બંધાતાં હતાં. ટ્રંફાલ્ગરની સુપ્રસિદ્ધ લડાઈમાં નેલ્સને નેપોલીયન વિરૂદ્ધ ઉપયોગમાં લીધેલું ‘વિક્ટરી’ વહાણ પશ્ચિમ હિંદુસ્તાનની બનાવટ હતું. વહાણની બનાવટમાં પારસીઓનો ઘણો મોટો હાથ હતો એમ ઈસ્ટ ઈંડીઆ કંપનીનો ઇતિહાસ આપણને કહે છે. આ વહાણનો ઉદ્યોગ મોટા ઉદ્યોગ તરીકે ગણી શકાય.