પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ : ગ્રા મો ન્ન તિ
 


મોટા ઉદ્યોગો

કુતુબમિનારની સામે આવેલો એક લોખંડનો અતિ પ્રાચીન સ્તંભ આ દેશના લોખંડના ઉદ્યોગની સાક્ષી આપણને હજી આપી રહ્યો છે. લોખંડ ઢાળવાની ક્રિયા છેક હમણાંની જ છે અને તે વર્તમાન વિજ્ઞાનની મદદ સિવાય અસ્તિત્વમાં ન જ હોઈ શકે એવી માન્યતાને આ પ્રાચીન બ્રાહ્મી લિપીના લેખથી શોભતો લોહસ્તંભ ફટકો મારે છે. આવડો મોટો લોહસ્તંભ સળંગ ઢાળીને બનાવી શકાય એ સ્થિતિ લોખંડનાં કારખાનાં, લોખંડ ઢાળવાની શાસ્ત્રીય ક્રિયા અને તેને લગતા ઉદ્યોગોની જ્વલંત સાક્ષી રૂપ છે. ઉપરાંત પત્થરનાં ભવ્ય અને કારીગરીવાળાં દેવાલયો, આરસ, સ્ફટીક તેમ જ બીજા પત્થરોની ખાણો, પત્થર ઘડવાના ધંધા, પત્થરો લઈ જવા લાવવાનાં ઉચ્ચાલનો અને બાંધકામના અંગના બીજા ઉદ્યોગોનો મોટો સમૂહ સૂચવે છે કે આપણા દેશમાં મોટા ઉદ્યોગો ન હતા એમ માનવાની જરૂર નથી. જે દેશે મોટા ઉદ્યોગો ભૂતકાળમાં ઓળખ્યા તે ભવિષ્યમાં મોટા ઉદ્યોગોને ન જ ઓળખે એવું માનવાને કારણ નથી.

ગ્રામઉદ્યોગો

એની સાથેસાથે ગ્રામ ઉદ્યોગો પણ આપણા ગ્રામજીવનને સ્વતંત્ર અને આબાદ બનાવી રહ્યા હતા.


યંત્રવાદ

પશ્ચિમમાં વરાળની શક્તિ જડી આવી અને તેમાંથી યંત્રવાદે જીવન ઉપર હુમલો કર્યો. અંગ્રેજોની રાજકીય સત્તાને યંત્રનું જોર મળ્યું. આ યંત્રવાદમાંથી નીચેનાં પરિણામે નિપજ્યાં :—

(૧) ઝડપી ઉત્પન્ન.
(૨) ઘણા મોટા પ્રમાણમાં ઉત્પન્ન.