પૃષ્ઠ:Gramonnati.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૪
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
ગૃહઉદ્યોગનું મહત્વ

આ સ્થિતિની ભયંકરતા રાજકર્તાને, વિચારકોને તેમ જ સમાજસેવકોને સમજાઈ છે. હિંદની મોટા ભાગની વસતિ સાત લાખ ગામડાંમાં વહેંચાયેલી છે. વસતિના એંશી ટકા જેટલો ભાગ ગ્રામજીવન ગુજારનારો–ખેતી કરનારો. હિંદુસ્તાનનું રાજ્ય, હિંદુસ્તાનના રાજ્યકર્તા – ગોરા અને કાળા–તથા હિંદુસ્તાનના ધનિકોનો એના ઉપર આધાર ખેતીનો ધંધો લાભકારક ન રહે, ખેડૂત દેવામાં દટાઈ જાય, તેને જીવવામાં રસ ન રહે એવી સ્થિતિમાં રાજ્યના અને સમાજના પાયા સહુને ડગમગતા દેખાયા અને એકાએક ગ્રામ અને ગ્રામજનતાનું મહત્ત્વ સમજાયું.

ગ્રામઉન્નતિ તરફ સહુનું લક્ષ દોરાયું અને ગૃહઉદ્યોગ તરફ ગ્રામજનતાને પાછી વાળવાની વિચારણા જાગૃત થઈ. ગૃહઉદ્યોગ માટે જુદા જુદા પ્રયોગો પણ થવા લાગ્યા અને સરકારે અને લોકસેવકોએ ગૃહઉદ્યોગના અખતરાઓ પણ કરાવવા માંડ્યા.

ગૃહઉદ્યોગનું મહત્ત્વ નીચેના કારણોને લીધે છે:–

(૧) ખેતીનું ઉત્પન્ન એક કુટુંબનું પોષણ કરી શકે એવું ન હોય ત્યાં ખેડૂતના ઉત્પન્નમાં ગૃહઉદ્યાગ થોડો પણ ઉમેરો કરી શકે એમ છે.