પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫ : ગૃહઉદ્યોગનું વર્ગીકરણ : ૧૨૫
 


જાય છે. એ સ્થિતિ અટકાવવી હોય તો ધનિકવર્ગે જાતે મહેનત કરીને એકાદ ગૃહઉદ્યાગનો સ્વીકાર કરી સ્વાવલંબી બનવાના દેશના પ્રયત્નમાં સહાય આપવી જોઇએ. ગાંધીજી ધનિકને ધનનો માલિક નહિ પરંતુ વાલી કહે છે. વાલીપણું બાજુએ મૂકી માલકીમાં ધસી જનાર મનુષ્ય ગુનેગાર બને છે. એટલે અંગત જરૂર ન હોય છતાં ધનિકવર્ગે ગૃહઉદ્યોગનો સ્વીકાર કરવો જરૂરી છે. એથી તે સામાન્ય અને ગરીબ વર્ગ સાથેનો પોતાનો સંબંધ જીવંત રાખે છે. ગરીબોને દાખલો બેસાડવા ખાતર પણ શ્રીમંતોએ ગૃહઉદ્યોગ હાથ કરવો જોઈએ. શ્રીમંતાઇનાં અનુકરણ ઘણાં થાય છે, અને મોટાભાગનાં અનુકરણ નિરર્થક નીવડે છે. અનુકરણને પણ સફળ કરવા માટે ધનિકો ગૃહઉદ્યોગ પોતાના બનાવી લે.

ગરીબવર્ગ અને ગૃહ-
ઉદ્યોગ

ગરીબોએ તો ગૃહઉદ્યોગનો આશ્રય લેવો જ રહ્યો. ગરીબને પૈસાની જરૂર છે જ. એની ક્ષણેક્ષણ ઉત્પાદક કાર્યમાં ગાળવાનો માર્ગ ગૃહઉદ્યોગ જ આપી શકે છે. એટલે,

(૧) પોતાનો સમય ઉત્પાદનના કાર્યમાં ગાળવા માટે,
(ર) ધન વધારવા માટે,
(૩) જતો પૈસા અટકાવવા માટે,
(૪) ભારરૂપ બની ગયેલી પોતાની જાતને સમાજ ઉપયોગી બનાવવા માટે

ગરીબોએ એક કરતાં પણ વધારે ગૃહઉદ્યોગ તરફ પોતાનું જીવન વાળવું જોઈએ. એ ઉદ્યોગો સહેલા છે, સોંધા છે, જીવનને ઉપયોગી થઈ પડે એવા છે, ગરીબીનો ઘટાડો કરનારા છે, અને સમયને રસમય બનાવે એવા કલામય છે.