પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાર્થ દૃષ્ટિએ : ૧૨૯
 


તેની રાજ્યકર્તાને બીક લાગ્યા જ કરે છે. સ્વદેશીની ભાવનામાં બે તત્વો ભળેલાં હતાં : (૧) પરદેશી માલનો બહિષ્કાર (૨) સ્વદેશી માલનો વપરાશ. પહેલું તત્ત્વ વેરઝેર ઉત્પન્ન કરે છે એમ માની મનાવી પરદેશી રાજ્યકર્તાઓએ તેને ગુનો માન્યો હતો. એ ખરેખર ગુનો હોઈ શકે કે કેમ એનો નિર્ણય નીતિની દૃષ્ટિએ જે થાય તે ખરો. સજા ખમવાની શક્તિ ન ધરાવતી જનતા તો બહિષ્કાર વિષે કાંઈ બોલતી નથી. જેનામાં શક્તિ છે તે બહિષ્કારની બાંગ પોકારી હસતે મુખે સજા સહી લે છે. પરંતુ બીજા તત્ત્વમાં પણ કડવાશ ઉત્પન્ન થાય છે એમ કહેવા જેટલું મગજનું સમતોલપણું રાજ્ય કરતી કોમે ખોયું નથી એટલે સ્વદેશી સંબંધી વાત થઈ શકે છે.

સ્વદેશીને ટેકો

દુનિયાની લગભગ બધી પ્રજાઓને સ્વદેશીની જરૂર સમજાઈ છે. માલ ઉત્પન્ન કરી બીજી પ્રજાઓને ગળે તે વળગાડી દઈ પૈસા સ્વદેશમાં ખેંચી લાવવાની હરીફાઈ એટલી વધી ગઈ છે કે સહુ સહુને પોતતાનાં ઘર સંભાળવાની જરૂર ઊભી થઈ છે. બ્રિટિશ પ્રજા બ્રિટિશ માલને ઉત્તેજન આપવા ઢંઢેરો પીટાવે છે. તેમને પગલે ચાલતી હિદી પ્રજા ખુશીથી હવે કહી શકે કે ‘હિંદી માલ વાપરો.’

સ્વાર્થ દૃષ્ટિએ

સ્વદેશીની ફીલસુફીમાં આપણે ઉતરીશું નહિ. એ માત્ર રાજકારણનું અંગ જ નથી. તે હવે તો ધર્મ બની ગયો છે. એ શા માટે ધર્મ બની ગયો છે ? એના કાંઈક ઉત્તરો આપી સ્વદેશી ધર્મને આપણે સામાન્ય બુદ્ધિ વડે સમજવા મથીશું.

સ્વદેશી એટલા માટે કેઃ—