પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાર્થ દૃષ્ટિએ : ૧૩૧
 


વળી

હિંદનાં જ સાધનો વડે
સમૃદ્ધ થવા માટે
સ્વદેશી

(૧) હિંદમાં અઢળક કાચો માલ થાય છે. હિંદમાં સોનું, લોખંડ અને કોલસા થાય છે. ચામડાં, હાડકાં, હાથીદાંત, અને લાકડાંનો શુમાર નથી. આખા જગતનું પોષણ થાય એટલો પાક જમીનમાંથી ઊતરે એમ છે. એ કશુંએ આપણે વાપરીશું નહિ ? બધું ઓછે ભાવે પરદેશને સોંપી દઈશું ? પરદેશમાંથી એની એ જ ચીજો દેખાવફેર થઈ આવે તે વખાણીને વાપરવાની સમાજદ્રોહી વૃત્તિ આપણે બતાવ્યા જ કરીશું ?

(૨) ઘર આંગણે નદીઓ વહે છે; યોજને યોજને ધોધ પડે છે; અઢળક મીઠું દરીયો આપે છે; ઔષધિભર્યા વન હજી વેડ્યા વગરનાં પડ્યાં છે; રસાયણ જોઈએ એટલાં છે; તો ય આપણે ગરીબના ગરીબ ! વીજળી પરદેશથી આવે, મીઠું પરદેશથી આવે, દવા તો પરદેશની હોય જ, અને રસાયણની શીશીઓ પશ્ચિમ આપે તે વાપરવાની. આપણી દેશલક્ષ્મીને આપણે અપૂજ્ય જ રાખવી છે ?

(૩) આજ આટલાં સાધનો છતાં આપણા ભણેલાઓ બેકારઃ સરકારી નોકરી અને વકીલાત સિવાય એક્કે ધંધો ભણતરને પોષતો નથી. એ ધંધાઓને પણ પોષણ-મર્યાદા છે. પરદેશીના મોહમાં આથી વધારે કયી પાયમાલી હજી જોવાની રહી છે ?

કાચો માલ આપણે ઘેર જ સાફ થાય, દેશની લક્ષ્મીનું પૂજન આપણા દેશમાં જ થાય અને આપણા ભણેલાઓ ઉદ્યોગ આદરે એ માટે સ્વદેશી. પ્રત્યેક હિંદવાસી પાસે હિંદમાતાની માગણી છે કે ‘સ્વદેશી વાપરો.’