પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સામાજિક ઉન્નતિ : ૧૩૫
 


શ્રેણી કોઇને પણ ખૂંચે નહિ એવી ચઢતી ઊતરતી રાખવાને બદલે એક પાસ ધનના ડુંગર રચાય છે અને બીજી પાસ ધન વગરના ખાલી ખાડા પડે છે. વ્યાપાર એ શરાફોને હાથ નહિ પણ જુગારીઓને હાથ ચઢ્યો છે. પ્રજાભાવના–Nationalism એ વ્યક્તિગત સ્વાર્થનો વિસ્તૃત ઓળો બની ગઈ છે. એટલે સમૃદ્ધ અને શક્તિશાળી પ્રજાઓ છડેચોક પરાયા દેશ કબજે કરે છે અને નિર્બળ પ્રજાઓને વેઠીયાં વસવાયાંની સ્થિતિમાં મૂકી દે છે. અણકેળવાયલી પરાઈ પ્રજાના ઉદ્ધારને બહાને જેટલાં પાપ થતાં હશે એટલાં કોઈપણ ભાવનાની પાછળ નહિ થયાં હોય. એટલે અર્થશાસ્ત્ર પણ બે જાતનું બની ગયું છે : એક વિજેતા પ્રજાનું અર્થશાસ્ત્ર અને એક પરાજિત અને પરાધીન પ્રજાનું અર્થશાસ્ત્ર. પરાધીન પ્રજા કાચો માલ ઉપજાવે, વિજેતા પ્રજાને તે માગે એ ભાવે પૂરો પાડે અને એ કાચા માલમાંથી બનાવટ બને તે પણ સામાને ફાવતે ભાવે ખરીદી કરે એ વિજયી પ્રજાનું અર્થસૂત્ર.

કેળવાયેલી પ્રજાના એક એક હાથમાં યંત્રે હજાર હજાર હાથનું બળ મૂક્યું. એ યંત્રનો લાભ પરાધીન પ્રજાને ન જ હોય.

અને એ વિજેતાઓનું અર્થશાસ્ત્ર લશ્કરીઓ, નૌકા સૈનિકો અને મુત્સદ્દીઓના વ્યવસ્થિત સત્તાધિકારથી રક્ષાયેલું ! પરાધીન હિંદનો રૂપિયો પણ બ્રિટિશ પાઉન્ડનો દાસ !

એટલે પરાધીન પ્રજાએ પોતાનું વિશિષ્ટ અર્થશાસ્ત્ર વિકસાવવું રહ્યું–જો તેને પરાધીનતા ટાળવી હોય તો. સત્તા વગર, પૈસા વગર, યંત્રો વગર, રક્ષણ વગર તેણે આગળ વધવાનું. વિદ્યા અને બુદ્ધિ ઝડપથી વેચાઈ જાય છે. સત્તાના પડછાયાને પ્રલોભનમાં વહેવરાવી શકાય છે. રોટલીનો ટુકડો ટોળામાં ફેંકી ભીખારીઓને અંદર અંદર લઢાવી શકાય છે. સ્વાધીન પ્રજાને કદી ન નડતાં ભૂત પરાધીન