પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ : ગ્રા મો ન્ન તિ
 


પૂજીએ છીએ. એ તો સહુને થવાં જ જોઈએ એવી આપણી માન્યતા છે. ઉંટાટિયો પણ આપણો દેવ !

ફેફસાંનાં દર્દો વગર પણ કેમ ચાલે? સામાન્ય ઉધરસને આપણે બાજુએ મૂકીએ, તો પણ ક્ષય અને દમનાં દર્દ કેટકેટલાં જીવનનો ભોગ લે છે એનો આપણે હિસાબ કાઢ્યો છે? ન્યુમોનિયા, ટાઈફૉઈડ એ હવે આપણાં ઓળખીતાં દર્દો બની ગયાં છે, અને ડીપ્થેરીયા, મેનીન્જાઈટીઝ, કાલાઆઝાર તથા બેરીબેરી જેવાં ભવ્ય કલ્પનાપ્રેરક નામવાળાં દર્દો આપણને ધીમે ધીમે સોડમાં લેતાં થયાં છે એ ભૂલવા સરખું નથી.

આંખો દુખવી એ પણ એક સામાન્ય દર્દ થઈ પડ્યું છે. ચામડીનાં દર્દો વિસ્તૃત હોવા છતાં તેમને સંતાડી શકાય અને વાઢકાપને પાત્ર ન થાય ત્યાં સુધી તેમને મહત્ત્વ અપાતું નથી. એનીમીયા, મંદાગ્નિ અને અસ્વસ્થતાને તો આપણે ગણકારતા નથી – જો કે તેમની બૂમો તો બહુ જ પાડીએ છીએ. સ્ત્રીઓએ તો સ્વયંવર રચી હિસ્ટીરિયાને વરમાળ આરોપી દીધી છે.

થોડા ચોંકાવનારા
આંકડા

એક અભ્યાસીએ હિસાબ કાઢ્યો છે કે બ્રિટીશ હિંદમાં દર વર્ષે સાડાચાર કરોડ માનવીઓ રોગમાં સપડાય છે, તેમાંથી પોણો કરોડ ઉપરાંત માણસો મરણવશ થાય છે. એનો વધારે અસરકારક હિસાબ કરીએ તે દર એક દિવસે લગભગ એકવીસ હજાર માણસો મરે છે, અને દર કલાકે ૮૭૦ માણસોને આપણે બ્રિટીશ હિંદમાંથી ખોઈએ છીએ.

બ્રિટિશ હિંદ ઉપરાંત રાજસ્થાની હિંદને આમાં વધારીએ તો એ પ્રત્યેક આંકડાનો ચોથો ભાગ તેમાં ઉમેરી દેવો રહ્યો !