પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ : ગ્રા મો ન્ન તિ
 


૭ એટલું તો ચોક્કસ કે અટકાવી શકાય એવાં દર્દીને લીધે જિંદગીમાં અને જીવનની કાર્યદક્ષતામાં જે અપવ્યય થાય છે અને ઘસારો પડે છે તેનું આર્થિક નુકસાન હિંદમાં તો પ્રતિવર્ષ અબજો રૂપિયા જેટલું થવા જાય છે. આવાં દર્દોને અટકાવાય તો માણસની જિંદગી અને શક્તિ હિંદમાં પ્રતિવર્ષે અબજો રૂપિયાની સમૃદ્ધિ ઊભી કરે.
૮ ઉપરાંત આ અટકાવી શકાય એવાં દર્દોને લીધે પ્રતિવર્ષ લાખો માનવી ભારે યાતના ભોગવી રહે છે એનો તો હિસાબ કેમ નીકળી શકે ?
૯ આર્થિક દૃષ્ટિએ પણ આ રોગ અટકાવવાની જરૂર છે. રોગ અટકાવવામાં જેટલો પૈસો ખર્ચાય એટલો ઓછો છે.

આવા અટકાવી શકાય એવા રોગોને આપણે શા માટે અટકાવતા નથી ? હિંદીજનતા દયાધર્મમાં માને છે એવું વારંવાર કહેવાય છે. અટકાવી શકાય એવા રોગનો ભોગ થતાં લાખો માનવીઓનો આપણે વિચાર કરીએ ત્યારે આપણને શંકા પડે છે કે ખરેખર હિંદ દયાધર્મ પાળે છે ખરો ! આપણે – એટલે સરકાર, ધનિક વર્ગ અને સમજદાર વર્ગ – જે પચસ સાઠ લાખ માણસો જીવતા રહેવા જોઈએ તેમને ખુલ્લી આંખે મરવા દઈએ છીએ.

અને હિંદની સંપત્તિ વધારવા આતુર બનેલા અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગપતિઓ માનવજીવન અને માનવશક્તિમાં રહેલી અબજો રૂપિયાની સંપત્તિને આમ રોગની ઝાળમાં પ્રજ્વળી જવા દે એ શું સાચા અર્થશાસ્ત્રનું અનુસરણ છે ?

ગ્રામજનતાના રોગ અને અનારોગ્યનાં કેટલાંક કારણો સમજી લેવાં જોઈએ.